Gujarat ATS ની મોટી કાર્યવાહી, મુન્દ્રા પોર્ટ 376 કરોડ હેરોઇન કેસમાં એક શખ્સની ધરપકડ
Mundra Port heroin case : ત્રણ દિવસ પહેલા ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી આશરે 75.3 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
Gujarat ATS : ત્રણ દિવસ પહેલા મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 376 કરોડના હેરોઇનના કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATSએ આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે ધરપકડ બાદ દિપક કિંગર નામના શખ્સને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભુજ NDPS કોર્ટે આ શખ્સના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુન્દ્રા પોર્ટ પરથી મળી આવેલા 376 કરોડના હેરોઇનના કેસમાં ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવવામા દિપકની મોટી ભૂમિકા હોવાનું કહેવામાં આવી રહયું છે.
UAEથી મંગાવવામાં આવ્યું હતું હેરોઇન
ત્રણ દિવસ પહેલા ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (Gujarat ATS) એ કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી આશરે 75.3 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે 376 કરોડ રૂપિયા છે. ગુજરાતના પોલીસ DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે કાપડની થેલીમાં છુપાયેલ હેરોઈનનું કન્સાઈનમેન્ટ, સત્તાવાળાઓને છેતરવા માટે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી ભારતમાં મોકલવામાં આવ્યું હતું અને પંજાબ લઈ જવાનું હતું.
64 કાપડની બેગમાં મળી આવ્યું હતું 75.3 કિલો હેરોઇન
ગુજરાતના પોલીસ DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, “માહિતીના આધારે, ગુજરાત એટીએસ (Gujarat ATS)ની ટીમ પંજાબ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સાથે મુંદ્રા પહોંચી હતી અને બંદર નજીકના માલ સપ્લાય સેન્ટરમાં રાખવામાં આવેલા શંકાસ્પદ કન્ટેનરને ટ્રેસ કર્યું હતું. તે 13 મેના રોજ યુએઈથી મુંદ્રા પોર્ટ પર આવ્યું હતું.
કન્ટેનરમાં રાખવામાં આવેલી કાપડની 540 બેગની નજીકથી તપાસ કરતાં તેમાંથી 64માંથી હેરોઈન પાવડર મળી આવ્યો હતો. તસ્કરોએ કાર્ડબોર્ડની પાઇપ પર મોટા વ્યાસની પ્લાસ્ટિકની પાઇપ મૂકીને થોડી જગ્યા કરી હતી. આ જગ્યામાં હેરોઈન ભરવામાં આવતું હતું અને પછી કાર્બન ટેપની મદદથી સીલ કરવામાં આવતું હતું, જેથી એક્સ-રે ટેસ્ટમાં તે પકડાઈ ન જાય.