Kanjhawala Case: 'ઘટના સમયે નશામાં હતી અંજલી...', વિસેરા રિપોર્ટમાં થયો ખુલાસો
જો કે હજુ સુધી આ મામલે દિલ્હી પોલીસ દ્ધારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી
Kanjhawala Murder Case: દિલ્હીના કાંઝાવાલામાં નવા વર્ષની ઉજવણીની રાત્રે બનેલી ઘટનાને લઈને અંજલિનો વિસેરા રિપોર્ટ આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિસેરા રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે અકસ્માત સમયે અંજલિએ દારૂ પીધો હતો. આ રિપોર્ટ 24 જાન્યુઆરીએ રોહિણીની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
જો કે હજુ સુધી આ મામલે દિલ્હી પોલીસ દ્ધારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું હતું કે રિપોર્ટનું પરિણામ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, અમે મામલાના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.
1લી જાન્યુઆરીની રાત્રે શું થયું?
અંજલિ જ્યારે તેની મિત્ર નિધિ સાથે રોહિણીની એક હોટલમાં પાર્ટી કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સ્કૂટીને લગભગ 2 વાગે કારે ટક્કર મારી હતી. અંજલિની સ્કૂટીને ટક્કર માર્યા બાદ આરોપી તેને 12 કિલોમીટર સુધી ઢસડી ગયા હતા જેના કારણે તેનું મોત થયુ હતું. સવારે લગભગ 4 વાગ્યે કાંઝાવાલા વિસ્તારમાં તેનો મૃતદેહ રોડ કિનારે પડેલો મળ્યો હતો, જેને જોઈને એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને આ બાબતની જાણ કરી હતી.
ઘટના બાદ શું પગલાં લેવાયાં?
ઘટના બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી અને તમામ 7 આરોપી દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), ક્રૃષ્ના (27), મિથુન (26) અને મનોજ મિત્તલની ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં આરોપીઓ સામે IPC 302 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે ઘટના સમયે રોહિણી જિલ્લામાં પીસીઆર વાન અને ફરજ પરના 11 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ગૃહ મંત્રાલય (MHA) એ ઘટના સમયે દિલ્હી પોલીસને ત્રણ પીસીઆર વાન અને તૈનાત તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જો કે, આ કેસમાં મુખ્ય સાક્ષી અંજલિની મિત્ર નિધિએ પોલીસ સમક્ષ અગાઉ નિવેદન આપ્યું હતું કે તે અને અંજલી બંને નવા વર્ષની આગલી રાત્રે પાર્ટીમાં ગયા હતા. જ્યાં અંજલિએ દારૂ પીધો હતો અને અકસ્માત સમયે તે નશામાં હતી.
બંને એક જ સ્કૂટી પર પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બલેનો કાર સાથે અકસ્માત થયો હતો જેમાં તેનો બચાવ થયો હતો પરંતુ અંજલિનુ મોત થયું હતું. ઘટના બની ત્યારથી પોલીસે અનેક વખત પોતાના નિવેદનો બદલ્યા છે. ઘણા દિવસો સુધી પોલીસ આ કેસમાં પાંચ આરોપીઓની સંડોવણીની વાત કરતી રહી પછી કહ્યું કે અકસ્માત સમયે કારમાં માત્ર ચાર લોકો હતા. પાંચમી વ્યક્તિને પાછળથી બોલાવવામાં આવી હતી. પોલીસે અકસ્માતની ઘણી હકીકતો અંગે તેમના નિવેદનો બદલ્યા હતા.