પાટા પરથી ઉતર્યુ 'ડબલ એન્જિન', BJP શાસિત રાજ્યોમાં જ પાર્ટીને થયું મોટુ નુકસાન, જાણો કેટલી બેઠકો ગુમાવી.....
Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીના પરિણામોએ ઘણા રાજ્યોમાં ચોંકાવનારા પરિણામો આપ્યા છે. ભાજપે 543 બેઠકોમાંથી 240 બેઠકો જીતી છે
Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીના પરિણામોએ ઘણા રાજ્યોમાં ચોંકાવનારા પરિણામો આપ્યા છે. ભાજપે 543 બેઠકોમાંથી 240 બેઠકો જીતી છે. ભલે તે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોય, પરંતુ સરકારની રચનાને લઈને હજુ પણ સસ્પેન્સ છે. ભાજપને આશા હતી કે તે આરામથી બહુમતીનો આંકડો પાર કરશે. આ જ કારણ છે કે બહુમત ના મળવા છતાં 232 બેઠકો મેળવનાર ઇન્ડિયા ગઠબંધન આત્મવિશ્વાસથી ભરપૂર છે.
જો કે હવે સવાલ એ થાય છે કે એવું તો શું થયું કે ભાજપની હાલત આટલી ખરાબ થઈ ગઈ. તે પણ જ્યારે દેશના અનેક મોટા રાજ્યોમાં તેની સરકારો છે. દેશમાં 'ડબલ એન્જિન' સરકાર ચલાવવા છતાં ભાજપે ઘણા રાજ્યોમાં બેઠકો ગુમાવી છે. ચાલો તમને એવા રાજ્યો વિશે જણાવીએ, જ્યાં ભાજપ રાજ્ય સ્તરે સત્તામાં હોવા છતાં, પાર્ટીએ મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી છે.
કયા-કયા રાજ્યોમાં બીજેપીએ ગુમાવી બેઠકો ?
ઉત્તર પ્રદેશઃ -
યુપીમાં 2017થી ભાજપની સરકાર ચાલી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 62 સીટો જીતી હતી, જ્યારે આ વખતે તેને માત્ર 33 સીટો મળી છે. યુપીમાં ભાજપે 29 બેઠકો ગુમાવી છે. યુપીમાં ભાજપને આશા હતી કે તે 70 સીટો જીતશે.
મહારાષ્ટ્ર: -
શિવસેના અને એનસીપીના વિભાજન પછી તેમાંથી નીકળેલા જૂથો ભાજપમાં જોડાયા. ભાજપે શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સાથે મળીને સરકાર બનાવી. આમ છતાં 2019માં 23 બેઠકો જીતનારી ભાજપ આ વખતે 9 બેઠકો પર ઘટી ગઈ છે. તેને અહીં 14 બેઠકો ગુમાવવી પડી.
બિહારઃ -
આ વર્ષે જ બીજેપી ફરી એકવાર સત્તામાં આવી છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેને તેનો ફાયદો મળ્યો નથી. 2019માં બિહારમાં ભાજપને 17 બેઠકો મળી હતી. હવે તેને 2024ની ચૂંટણીમાં માત્ર 12 બેઠકો મળી છે. આ રાજ્યમાં ભાજપે 5 બેઠકો ગુમાવી છે.
રાજસ્થાનઃ -
વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપને આશા હતી કે તે રાજસ્થાનમાં ફરીથી ક્લિન સ્વિપ કરશે, પરંતુ આવું થયું નથી. રાજસ્થાનમાં 2019માં ભાજપને 25માંથી 24 બેઠકો મળી હતી, જ્યારે એક બેઠક તેના સહયોગી એનડીએને મળી હતી. આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો મળી હતી.
હરિયાણાઃ -
ભાજપને છેલ્લા એક દાયકામાં હરિયાણામાં પ્રવેશ કરવાનો કોઈ ફાયદો થયો નથી. 2019માં હરિયાણામાં તમામ 10 બેઠકો કબજે કરનાર ભાજપને આ વખતે પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.