કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Kareena Kapoor: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે
Kareena Kapoor: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેન્ચે કરીના કપૂરને નોટિસ પાઠવી છે. આ નોટિસ 'કરીના કપૂર પ્રેગનન્સી બાઈબલ' નામના વિવાદાસ્પદ પુસ્તકને લઈને આપવામાં આવી છે. કરીના કપૂર ઉપરાંત જસ્ટિસ જીએસ આહલુવાલિયાની સિંગલ બેન્ચે અદિતિ શાહ ભીમજિયાની, અમેઝોન ઈન્ડિયા, જગરનાટ બુક્સ અને અન્યને પણ નોટિસ પાઠવી છે અને તેમનો જવાબ માંગ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 1 જુલાઈના રોજ થશે.
વાસ્તવમાં જબલપુર સિવિલ લાઇનના રહેવાસી ક્રિસ્ટોફર એન્થોનીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે 'કરીના કપૂર પ્રેગનન્સી બાઈબલ' પુસ્તક દ્વારા ખ્રિસ્તી સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજી દ્વારા કરીના કપૂર વિરુદ્ધ અપરાધિક કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કરીના કપૂર ખાને સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઈરાદાથી આ પુસ્તક લખ્યું છે, જેનું કવર પેજ પણ વાંધાજનક છે.
બાઇબલ ઇસાઇ ધર્મનો ધાર્મિક ગ્રંથ
એડવોકેટ ક્રિસ્ટોફર એન્થોનીએ અરજી દાખલ કરી અને દલીલ કરી કે કરીના કપૂર ખાને આ પુસ્તક તેણીના ગર્ભાવસ્થાના અનુભવને શેર કરવા માટે પ્રકાશિત કર્યું હતું. પુસ્તકના નામમાં બાઇબલ ઉમેરવાથી ખ્રિસ્તી ધર્મના લોકોને દુઃખ થયું અને તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. પુસ્તકનું શીર્ષક ઇસાઇ ધર્મના અનુયાયીઓના પવિત્ર ધાર્મિક ગ્રંથ બાઇબલમાંથી લેવામાં આવ્યું છે. જેના કારણે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર અને વિરોધ કરવામાં આવ્યો હતો. બાઇબલ એ ખ્રિસ્તી ધર્મનો ધાર્મિક ગ્રંથ છે અને આ પવિત્ર પુસ્તકમાં ભગવાનના ઉપદેશો અને દૃષ્ટાંતોનું વર્ણન જોવા મળે છે.
કરીના કપૂર ખાનનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગનન્સી બાઇબલ' 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગનન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને જલદી માતા બનનારી મહિલાઓને અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભિંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.