'ઓમ નમઃ શિવાય'શો બનાવનારા ડિરેક્ટર ધીરજ કુમારનું નિધન, 79 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
તેમણે 1960માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ.

દિગ્ગજ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા ધીરજ કુમારનું અવસાન થયું છે. તેમણે 79 વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી હતી. ધીરજ કુમારની તબિયત સારી ન હતી. તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તપાસમાં જાણવા મળ્યું કે તેમને ન્યૂમોનિયા હતો. અભિનેતાને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
#BREAKING Producer-Actor Dheeraj Kumar passed away at 11:40 AM today. His son was present at the hospital during his final moments. It is expected to take 2–3 hours to complete hospital formalities before bringing the body home. The cremation is likely to take place tomorrow, as… pic.twitter.com/1jfE1Gt1CU
— IANS (@ians_india) July 15, 2025
ધીરજ કુમારના પરિવારે વિનંતી કરી
સોમવારે એક સત્તાવાર નિવેદનમાં ધીરજ કુમારના પરિવાર અને પ્રોડક્શન ટીમે તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારની પુષ્ટી કરી હતી. નિવેદનમાં લખ્યું હતું - પરિવાર ધીરજ કુમારના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. અમે આ મુશ્કેલ સમયમાં દરેક પાસેથી ગોપનીયતાની અપેક્ષા રાખીએ છીએ.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ધીરજ નવી મુંબઈમાં ઇસ્કોન મંદિરના ઉદ્ધાટન સમયે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે તેમની આધ્યાત્મિક માન્યતા વિશે વાત કરી. તેમણે કહ્યું હતું કે, 'હું અહીં નમ્રતા સાથે આવ્યો છું. જોકે, તેઓએ મને વીવીઆઇપી કહ્યો છે. મને લાગે છે કે વાસ્તવિક VVIP ભગવાન છે.'
આ ફિલ્મોમાં ધીરજ કુમારે કામ કર્યું હતું
ધીરજ કુમારના કરિયરની વાત કરીએ તો તેમનું કરિયર 50 વર્ષથી વધુનું રહ્યું છે. તેમણે શાનદાર ફિલ્મો આપી છે. તેમણે 1960માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમણે રાતો કા રાજા, રોટી કપડા ઔર મકાન, સ્વામી, ક્રાંતિ અને હીરા પન્ના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 1970 થી 1984ની વચ્ચે 21 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે પંજાબી સિનેમામાં પણ પોતાની છાપ છોડી હતી.
ત્યારબાદ ધીરજ ફિલ્મોથી ટીવી તરફ વળ્યા હતા. તેમણે ઘર સંસારમાં અમરની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે ઓમ નમઃ શિવાય, અદાલત, ધૂપ છાંવ, જાને અનજાને, સચ, મિલી, હમારી બહુ તુલસી, નાદાનિયાં, તુજ સંગ પ્રીત લગાઈ સજના, બાબોસા, રિશ્તો કે ભંવર મેં ઉલઝી જેવા શો કર્યા હતા.
રિયાલિટી શો દ્વારા મનોરંજન ઉદ્યોગનો ભાગ બનેલા ધીરજ કુમારે 'ક્રિએટિવ આઈ' નામની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી હતી. તેઓ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા.




















