(Source: ECI/ABP News/ABP Majha)
સિદ્ધુ મૂસેવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કરનાર પાક.ની સિંગરને કેમ પોતાના ધર્મ જાહેર કરવો પડ્યો?
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ફેન-ફોલોઈંગ ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં છે.
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ફેન-ફોલોઈંગ ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. ત્યારે હવે સિદ્ધુ મુસેવાલાના અચાનક થયેલા નિધનથી તેમના ચાહકોનું દિલ તુટી ગયું છે. દેશ-વિદેશથી તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ બધાની વચ્ચે, પાકિસ્તાની સિંગર શાએ ગિલે પણ સિદ્ધુના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
'પસૂરી' ગીતની ગાઈકાએ દુઃખ વ્યક્ત કર્યુંઃ
'પસૂરી' ગીતથી વિશ્વભરમાં ફેમસ થયેલી પાકિસ્તાની સિંગર શાએ ગીલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધુના નિધન પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું, "દિલ તૂટી ગયું. તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે." જો કે, પાકિસ્તાનમાં ઘણા લોકોને શાએ જે માનવતા બતાવી તે પસંદ નથી આવ્યું અને તેના કારણે શાએ ગિલને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.
કેમ ટ્રોલ થઈ પાકિસ્તાની સિંગર?
શાએ ગીલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેસેજના સ્ક્રીનશૉટ્સ શેર કરીને આ ટ્રોલિંગ વિશે જાણાકરી આપી છે. શાએને બિન-મુસ્લિમ વ્યક્તિને (એટલે કે સિદ્ધુને) શ્રદ્ધાંજલિ આપવા પર ટ્રોલ કરવામાં આવી હતી અને શાએને મેસેજ કરવામાં આવ્યા હતા. શાએ ગિલને ટ્રોલરોએ મેસેજ કર્યા હતા કે, "એક મુસ્લિમને બિન-મુસ્લિમ માટે પ્રાર્થના કરવાની મંજૂરી નથી જ્યારે તે મૃત્યુ પામે છે." આવા મેસેજ મળ્યા બાદ શાએ ગિલે ટ્રોલર્સને જવાબ આપ્યો અને કહ્યું, મને આવા ઘણા મેસેજ મળી રહ્યા છે. હું લોકોને જણાવવા માંગુ છું કે હું મુસ્લિમ નથી. હું એક ખ્રિસ્તી છું અને એક ખ્રિસ્તી પરિવાર સાથે સંબંધ ધરાવું છું અને હું અન્ય ધર્મના લોકો માટે પ્રાર્થના કરી શકું છું."
નફરત ભરેલા આવા મેસેજની વચ્ચે, શાએ ગિલે બીજા એક મેસેજનો સ્ક્રિનશોટ પણ શેર કર્યો જેમાં શાએ ગિલની પ્રસંશા કરવામાં આવી હતી. અન્ય એક યુઝર્સે શાએ ગિલની પ્રસંશા કરતો આ મેસેજ કર્યો હતો. યુઝર્સે શાએ ગિલને લખ્યું કે, “જેઓ તમને આ કહી રહ્યા છે, તેઓ જૂઠું બોલી રહ્યા છે. એક મુસ્લિમ તરીકે તમે અન્ય ધર્મના લોકો માટે પ્રાર્થના કરી શકો છો."