Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad News: અમદાવાદમાં AMCની ઘોર બેદરકારી, નિંભર તંત્ર અને ભ્રષ્ટ્ર વહીવટે બે વધુ નિર્દોષ લોકોનો જીવ લીધો, રોડ પર વીજ કરંટથી કમકમાટીભર્યું મોત

Ahmedabad News: અમદાવાદમાં નારોલમાં મટનગલી વિસ્તારમાં 8 સપ્ટેમ્બરે ભયંકર દુર્ઘટના સર્જાઇ. અહીં અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે દંપતિનો જીવ ગયો. મટન ગલીમાં ભારે વરસાદ અને રોડમાં ખાડાના કારણે પાણી ભરાયા હતા. તેમાં વીજ પોલનો વાયર પણ પ઼ડ્યો હતો. રસ્તા પરથી જ્યારે આ દંપતી પસાર થયું તો ખાડામાં પાણીમાં પડેલા વીજ વાયરના કારણે બંનેને વીજ કરંટ લાગતી દંપતિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યું નિપજ્યું. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજ કરંટ બંધ કરતાં તેઓને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ નારોલ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે બંનેની જિંદગી ન બચાવી શકાય.
ઉલ્લેખનિય છે કે, મળતી માહિતી મુજબ ગઈકાલે 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રૂદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન સિંગલ એક્ટિવા લઈ નારોલની મટનગલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર વરસાદી પાણી ભરાયેલા હતા. આ રોડ પર મોટા ખાડા પડેલા છે અને તેમાં જ વરસાદી પાણી ભરાયેલા હતા. જેમાં અચાનક જ ખાડો આવતા પતિ-પત્નીને કરંટ લાગ્યો હતો અને બંનેનુ મૃત્યુ નિપજ્યું છે.
અમદાવાદ કોર્પોરેશનની આ ઘોર બેદરકારીનું જીવતું જાગતુ ઉદાહરણ છે. જ્યાં લોકોની જિંદગી પર બની આવે તો પણ કામગીરીમાં કોઇ સુધાર થતો નથી. કરોડો રૂપિયાનું રોડ રસ્તા લાઇટો માટે બજેટ ફળવાતું હોવા છતાં પણ અમદાવાદમાં મોટાભાગના રસ્તાના આ જ હાલ છે. જ્યારે રસ્તા પર 3થી 4 ફૂટના ખાડા છે. રસ્તો ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે, તે સમજવું મુશ્કેલી થઇ જાય છે. આ ખાડા રિપેર કરવા માટે નિંભર તંત્ર ક્યારેય સમયસર જાગતુ નથી આ કારણે વરસાદમાં પાણી ભરાઇ જાય છે. આટલું ઓછું હોય તેમ હવે તો વીજ વાયર પણ સ્ટ્રીટ લાઇટના વીજ પોલથી લટકતા જોવા મળે છે એટલે શહેરીજનોના રસ્તા પર મોત માટેની દરેક સરંજામ તૈયાર છે.
અહીં કરોડોના બજેટ પછી પણ અમદાવાદ શહેરની આ સ્થિતિ છે. આ સ્થિતિ માત્ર અમદાવાદના નારોલ વિસ્તારની જ નથી પરંતુ અમદાવાદના 70 ટકાથી વધુ રોડ રસ્તાની આ જ સ્થિતિ છે. જ્યારે ખાડામાં પાણી અને તેમાં વીજપોલથી લટકતા વાયર જોવા મળે છે. હવે અપેક્ષા રાખીએ કે, આ ઘોર બેદરકારીના કારણે 2 લોકોના જીવ ગયા બાદ કદાચ એમએમસીના નિંભર તંત્રની ઊંઘ જાગે, સંવેદન જાગે અને અમદાવાદના રોડ રસ્તા માટે મળતા કરોડોનું બજેટ સંપૂર્ણ રીતે ઇમાનદારીથી ઇચ્છાશક્તિ સાથે રોડ રસ્તાના સુધાર માટે વપરાય. પરંતુ અફસોસ કે નિર્દોષ લોકોના જીવ આવી અનેક ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના વહીવટની ભેટ ચઢે છે પરંતુ આપણે કોઇ પણ ઘટનાથી બોધ પાઠ લેતા નથી અને સામાન્ય લોકો આજ રીતે બે મોત મરતા રહે છે.





















