Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
અમદાવાદ: બાવળા નજીક આવેલા બગોદરા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમદાવાદ: બાવળા નજીક આવેલા બગોદરા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, બગોદરા બસ સ્ટેશન પાસે આવેલી એક ઘરમાં આ કરુણ બનાવ બન્યો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો વતની હતો અને છેલ્લા કેટલાક સમયથી બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતા રિક્ષા ચલાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવારમાં પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે. અગમ્ય કારણોસર આ પરિવારે રાત્રે કોઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમની સાથે ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકાના ASP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે પાંચેય મૃતદેહોનો કબજો લઈ બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. હાલ વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવશે. આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામની યાદી
(1) વિપુલ ભાઈ કાનજી ભાઈ વાઘેલા (દેવી પૂજક) ઉ.વ. 34 પતિ
(2)સોનલ બેન વિપુલ ભાઈ વાઘેલા ઉ.વ.26 (પત્ની)
(3) સીમરન વિપુલ ભાઈ વાઘેલા ઉ.વ.11 (દીકરી )
(4) મયુર વિપુલ વાઘેલા ઉ.વ. 08 (દીકરો)
(5) પ્રિન્સી વિપુલ વાઘેલા ઉ.વ. 05 (દીકરી )
તમામ મૂળ રહે ધોળકા બારાકોઠા હાલ રહે બગોદરા બસ સ્ટેન્ડ પાસે
નોધનીય છે કે, ઘરના મોભી વિપુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સામે આવેલી વિગતો અનુસાર તેઓ બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા હતા. જોકે, અગમ્ય કારણોસર રાત્રે આખા પરિવારે ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તમામના મોત નિપજ્યાં હતા.
જોકે, આ આત્મહત્યાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પરિવારે આવો આકરો નિર્ણય કેમ લીધો. આત્મહત્યાનું કારણ આર્થિક સંકડામણ છે કે કઈ બીજુ કાઈ. આ બધા સવાલોના જવાબ તો હજુ મળ્યા નથી. પોલીસ તપાસ બાદ જ આ સવાલોના જવાબો મળશે.





















