Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain Forecast: છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. આગામી સાત દિવસ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. જાણીએ ક્યાં જિલ્લામાં રહેશે વરસાદનું જોર

Gujarat Rain Forecast: ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે વરસાદને લઇને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે છૂટછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનિય છે કે, એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે. આ દિવસોમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જો કે 24 જુલાઇ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં 24 જુલાઇ બાદ ફરી એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે. હાલની પરિસ્થિતિને જોતા અને હવામાનના મોડલના આંકલન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટછવાયો સામાન્ય વરસાદ વરસી શકે છે.
આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ શકયતા હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગાહી મુજબ 40 થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગર માં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદને લઇને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર માં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી થોડા દિવસોમાં વાદળછાયા વાતાવરણ પછી રાજધાનીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હી સહિત સમગ્ર દેશમાં આ મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દિવસોમાં ચોમાસાની બંગાળની ખાડીની શાખા સૌથી વધુ સક્રિય છે, તેથી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વ રાજ્યો સુધી, દિવસ અને રાત દરમિયાન સતત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં ઘણા રાજ્યોમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે. આમાં રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી દિલ્હી વાદળછાયું વાતાવરણ રહેશે, જે દરમિયાન ક્યારેક ક્યારેક વરસાદ પડી શકે છે.





















