Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વે અનુસાર,અમદાવાદ શહેરમાં 8,767 મકાનો કપાતમાં આવે છે

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વે અનુસાર,અમદાવાદ શહેરમાં 8,767 મકાનો કપાતમાં આવે છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે. અમદાવાદમાં રોડ કપાતમાં જતા મકાનો મામલે AMCએ સર્વે હાથ ધર્યો હતો. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં બહાર આવ્યું છે કે 8,767 મકાનો કપાતમાં આવે છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે. આ સાથે જ શહેરમાં 21 ભયજનક હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રોડ કપાતમાં ગયેલા મકાન માલિકોને AMC મકાન આપશે. જોકે 2010 પહેલા સ્થળ પર રહેતા હોય અને 50 ટકા મકાન કપાતમાં જતા લોકોને જ મકાન આપવામાં આવશે. અલગ અલગ વિકાસના કાર્ય માટે મકાનો કપાતમાં જશે. AMC દ્વારા વૈકલ્પિક સુવિધા માટે આવાસ યોજનાના મકાન ફાળવવામાં આવશે. ઉતર પશ્ચિમ ઝોનમાં 994 મકાનો, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 512 મકાનો, પશ્ચિમ ઝોનમાં 1429 મકાન, ઉત્તર ઝોનમાં 1475 મકાનો, મધ્ય ઝોનમાં સૌથી ઓછા 133 મકાનો, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3348 મકાન, પૂર્વ ઝોનમાં 876 મકાન કપાતમાં જશે. એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતા અને ડેપ્યુટી ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં જો તમામ રોડ રસ્તા ખોલવા હોય તો તેના માટેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રોડ કપાતમાં જતા મકાનો અંગેની વિગતો સામે આવી છે. જેમાં 8,767 જેટલા મકાનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવાના થાય છે. વર્ષ 2010 પહેલાનું બાંધકામ હોય અને જો 50 ટકાથી વધારે કપાતમાં જતું હોય તો તેવા લોકોને પોલીસી અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન ફાળવવામાં આવે છે.
આ વિસ્તારોમાં મકાનો તોડી પડાશે
સૌથી વધારે કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર-રખિયાલમાં 1475 જેટલા મકાનો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં 1429 મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.
સોમનાથ કોરિડોરને લઈ પ્રભાસપાટણમાં જનાક્રોશ
સોમનાથ કોરિડોરને લઈ પ્રભાસપાટણમાં જનાક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ આરોપ લગાવ્યો હતો કે પ્રશાસન અને પોલીસ ફોર્મમાં વિગતો આપવા ધમકાવે છે. પાંચ-પાંચ પેઢીથી રહેતા હોવાનો દાવો કરી રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી કે જીવ દઈશું પણ કોરિડોર માટે જમીન નહીં આપીએ. તો આ મામલે પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, મંદિર આસપાસ 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 384 આસામીઓની મિલકતનું અધિગ્રહણ થશે. સરકાર તરફથી અધિગ્રહણની કિંમત નક્કી થયા બાદ મિલકતધારકોને જાણ કરાશે. હાલ કોઈને નોટિસ અપાઈ નથી.





















