યુવકે 10 લાખની લૂંટનો કંટ્રોલરુમમાં ખોટો મેસેજ કર્યો, કાગડાપીઠ પોલીસે કરી કડક કાર્યવાહી
યુવકે કંટ્રોલરુમમાં મેસેજ કરી 10 લાખ રુપિયાની લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ: અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોમવાર 30 જૂનના રોજ એક યુવક દ્વારા કંટ્રોલરુમને મેસેજ કરવામાં આવ્યો હતો કે ગીતામંદિર બસ સ્ટેન્ડની બાજુની ગલીમાં એક્ટિવા લઈ 10 લાખ ભરવા આંગડીયામાં જતો હતો ત્યારે એક બાઈક પર આવેલા ડબલ સવારી ચાલકો લૂંટ કરી ભાગી ગયા હતા.
આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6ના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર કે ડીવીઝન અને સિનિ. પોલીસ ઈન્સપેક્ટર એસ.એ.ગોહીલની આગેવાનીમાં કાગડાપીઠ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ વી.બી ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોર્ડનાના માણસો બનાવના સ્થળ પર પહોંચ્યા હતા. મેસેજ કરનાર યુવકને મળ્યા હતા તેમજ સીસીટીવી કેમેરા અને આજુબાજુમાં રહેતા લોકોની પુછપરછ કરી હતી. પરંતુ આ પ્રકારનો કોઈ બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ યુવકની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા મેસેજ કરનાર યુવક શ્રવણ સતરારામ પુરોહિત ઉંવ 25 રહે, નિકોલ અમદાવાદ ભાંગી પડ્યો હતો. પોલીસ સમક્ષ સત્ય જણાવતા કહ્યું કે બેંક ઓફ બરોડાની કુબરેનગર બ્રાંચમાં નિકોલ ખાતેના મકાન પર મોર્ગેજ લોન કરાવી હતી જે લોનના રુપિયાથી અલગ-અલગ કંપનીના શેરમાં ઓનલાઈન ટ્રેડીંગ કર્યું હતું તેમાં નુકસાન થઈ જતા ઘરના સભ્યો ઠપકો આપશે એ ડરથી તેની પાસેથી 10 લાખની લૂંટ થઈ છે તેવો ખોટો મેસેજ કંટ્રોલ રુમને કર્યો હતો.
સમગ્ર વિગતો જાણી મેસેજ કરનાર યુવક વિરુદ્ધ ખોટા મેસેજ કરી રાજ્ય સેવક ખોટી માહિતી આપવા બાબતે બીએનએસ કલમ-212 મુજબ કાયદેસરની કાર્યવાહી કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.





















