Lok Sabha: કોંગ્રેસ આ લોકપ્રિય ધારાસભ્યને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉતારી શકે છે લોકસભામાં, ચાર નામો છે રેસમાં
કોંગ્રેસ ગુજરાતમાં પોતાના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ બહુ જલદી જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં અમદાવાદની બેઠકોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે
Ahmedabad Lok Sabha News: દેશભરમાં તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભાની તૈયારીઓ લગભગ પુરી કરી લેવામા આવી છે, અને હવે ગમે તે ઘડીએ કોંગ્રેસ પોતાની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આ પહેલા ભાજપે પોતાની 192 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે ગુજરાતમાં કોંગ્રેસની હલચલ વધી છે. હાલમાં જ સુત્રો તરફથી માહિતી છે કે, કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર લોકસભા ચૂંટણી લડી શકે છે.
સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ ગુજરાતમાં પોતાના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ બહુ જલદી જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં અમદાવાદની બેઠકોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે, હાલમાં દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ આ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે, શૈલેષ પરમાર અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસના હાઇ કમાન અને શીર્ષ નેતૃત્વની હાલમાં આ બેઠક પર શૈલેષ પરમાર પહેલી પસંદ છે. ખાસ વાત છે કે, અમદાવાદ પશ્ચિમ બેઠક પર હાલ ચાર નામો પર કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે, જેમાં શૈલેષ પરમાર, ડો. યોગેશ મેત્રક, ભરત મકવાણા અને રત્નાબેન વોરાનું નામ આ પેનલમાં સામેલ છે. તો વળી ભાજપે પ્રથમ યાદીમાં જ અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાને મેદાનમાં ઉતર્યા છે.
ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ક્યારે આવશે, શું છે હાલની સ્થિતિ ? શક્તિસિંહ ગોહિલે મોરબીમાં કરી સ્પષ્ટતા
લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે, ભાજપે ગઇકાલે પોતાના 192 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધુ છે, આ લિસ્ટમાં વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રીના બેઠકોની યાદી છે. સાથે સાથે ગુજરાતની 26માંથી 15 બેઠકો પરના ઉમેદવારોના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ગુજરાતમાં બીજા ઉમેદવારોના નામે આવે તે પહેલા કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે. હાલમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસની પ્રથમ યાદી બહુ જલદી આવવાની વાત કહી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, કોંગ્રેસની પ્રથમ યાદી બહુ જલદી જાહેર થઇ શકે છે. હાલમાં ગુજરાતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. વહેલી તકે ઉમેદવારોના નામ જાહેર કરવાના શક્તિસિંહના સંકેત છે.
હાલમાં જ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચિખલીયાની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ આજે રવાપર ઘુનડા રૉડ ખાતેના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, લલીતભાઈ વસોયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયા બાદ શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું, જેમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા, આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વિશાળ સંખ્યામાં પ્રેમ અને લાગણી સાથે જનસમર્થન મળ્યું તે પ્રસંશનીય છે, કોંગ્રેસ કાર્યકરો અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે ભાજપની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખુબ નારાજગી છે, ભાજપના કામના નામે અને કાર્યકરોના જોર પર મતો મળતા નથી તેથી અન્ય પક્ષના નેતાઓ તોડવાનું કાર્ય કરે છે ડર અને લાલચના જોરે નેતાઓને તોડવામાં આવે છે.
મોરબીમાં તાજેતરમાં નેતાઓએ રાજીનામાં આપી પક્ષપલટો કરતા તે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે, તેઓ હાલ પ્રદેશ પ્રમુખ છે પરંતુ આજીવન તો રહેવાના નથી તો પક્ષપલટો કરનારા નેતાઓ પર ઈશારામાં કટાક્ષ કર્યો હતો કે કેટલાક નેતાઓને ખુબ મળ્યું હોય ક્યારેક તેમની કેટલીક મજબૂરી હોય છે, તેમજ ભાજપ લાલચ આપી તેમજ કાવાદાવા કરતા તેઓને જવું પડે છે, તો કોંગ્રેસમાં હોય તે નેતા હીરો હોય છે જે ભાજપમાં જઈને ઝીરો થઇ જાય છે. વધુમાં તેમને જણાવ્યુ કે, એવા કેટલાય દાખલા જોવા મળ્યા છે નેતાઓને વાપરીને મૂકી દેવા તે ભાજપનું ચરિત્ર છે પોતાના પક્ષના નેતામાં શું અવગુણ છે કે બહારથી નેતાઓ લાવવા પડે છે તેનો જવાબ ભાજપે આપવો જોઈએ.
તો લોકસભા ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતમાં પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, અને સમયાન્તરે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે, ભાજપ વિરુદ્ધ ૬૫ થી ૬૭ ટકા મતો પડે છે, સંવિધાન બચાવવા મતો વહેંચાય નહીં તેવા હેતુથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે તેના નેતાઓને પણ તોડવા અને પરેશાન કરવા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના રાજ્યમાં ગઠબંધનમાં બેઠક વહેંચણીની કામગીરી થઇ ગઈ છે અને વહેલી તકે ઉમેદવારો જાહેર કરાશે.