અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લીલીયાવાડી, 200થી વધુ જર્જરિત મકાન, AMCએ નોટિસ પણ નથી ફટકારી
Ahmedabad News : વરસાદ પહેલા કે વરસાદ પડ્યાં પછી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ગણાશે?
AHMEDABAD : અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે અમદાવાદ મહાનગરપાલિકામી લીલીયાવાડી સામે આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે.BPMC એકટ હેઠળ તમામ મહાનગરપાલિકાઓ દ્વારા 15 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન સબંધિત કામગીરી પૂર્ણ કરવાની વચ્ચે હાલ પણ AMC એ પ્રિ-મોન્સૂન માટેની કામગીરીઓ પુરજોશમાં શરૂ કરી નથી.
ABP અસ્મિતાએ શહેરના કોટ વિસ્તારમાં કરેલા રિયાલિટી ચેકમાં હાલ પણ અનેક જર્જરિત મકાન દેખાયા પણ અમદાવાદ મહાનગરપાલિકાએ આ મકાનો સામે નોટિસ પણ આપી ન હોવાનું સામે આવ્યું છે. રાયપુર સ્થિત ચકલેશ્વર મહાદેવ પાસે જ મકાન ભયજનક સ્થિતિમાં છે.જેની આસપાસમાં અનેક કમર્શિયલ એકમ પણ છે અને રહેણાંક મકાનો પણ આવેલા છે.
આ જ સ્થિતિ ખાડિયા વોર્ડમાં પણ સામે આવી.જ્યાં રથયાત્રાના રૂટ પર 50 મીટરના અંતરમાં 3 ભયજનક મકાનો આવેલા છે.શહેરમાં આવેલી 200 જર્જરિત ઇમારતો પૈકી 125 મકાનો માત્ર ખાડિયા વોર્ડમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ સિવાય દરિયાપુર અને કાલુપુરમાં પણ અંદાજે 105 મકાન જર્જરિત હાલતમાં હોવાની માહિતી સામે આવી છે. જો કે 200થી વધુ જર્જરિત મકાનને AMCએ નોટિસ પણ નથી ફટકારી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વરસાદ પહેલા કે વરસાદ પડ્યાં પછી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ગણાશે?
રસ્તાઓનું સમારકામ પણ બાકી
અમદાવાદ શહેરમાં નાગરિકોને વરસાદ દરમિયાન ખરાબ રોડને કારણે હાલાકી પડવાનું નક્કી છે. ચોમાસાના આગમનની તૈયારી છે, પણ હજી પણ અનેક રસ્તાઓનું સમારકામ બાકી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 46 રોડ પ્લાનીંગમાં લીધા હતા જેમાંથી 21 રોડ બાકી છે, ઉત્તરઝોનમાં 25 રોડના પ્લાનિંગ સામેં 15 બાકી, મધ્યઝોનમાં 31 રોડનું આયોજન હતું જેમાં 16ના કામ બાકી અને 12 રોડના કામ પૂર્ણ થયા છે.
જયારે દક્ષિણઝોનમાં 30 રોડનું આયોજન જેમાંથી 23 બાકી છે અને પૂર્વઝોનમાં 27 રોડનું આયોજન હતું,17 બાકી છે, તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 57 રોડનું આયોજન હતું,26 ના કામ પ્રગતિમાં છે. જો કે મહાનગરપાલિકાએ અલગ અલગ પ્રોજેક્ટના 28 રોડ જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવા આદેશ આપ્યા છે.