(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ જવા વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવવું પડશે, નહીં હોય તો...
No Vaccine No Entry: અમદાવાદમાં કેટલીક જગ્યાએ નો વેક્સિન નો એન્ટ્રીનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે સ્વેચ્છાએ જ વેક્સિનેશનને ફરજિયાત કરવા ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ગયો છે અને રોજના દૈનિક કેસોની સંખ્યા પણ ઘટીને 20 આસપાસ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં કેટલીક જગ્યાએ નો વેક્સિન નો એન્ટ્રીનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. અથવા રાજ્ય સરકાર દ્વારા વેક્સિન વગરના લોકો માટે પ્રતિબંધ મૂકવા કોઈ સત્તાવાર પરિપત્ર કર્યો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે જુદાજુદા ઉદ્યોગો વેક્સિનેશનને મેન્ડેટરી કરવા ભાર મૂકી રહ્યાં છે.
થિયેટર્સઃ શનિવારથી શહેરમાં થિયેટર્સમાં વેક્સિન ન લીધી હોય તેવો દર્શકો માટે નો-એન્ટ્રીની જાહેરાત થિયેટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. કેટલાક મલ્ટિપ્લેક્સ થિયેટર્સ સંચાલકોનું માનવું છે કે, કોરોનાના કારણે છેલ્લા 12 મહિનાથી મલ્ટિપ્લેક્સનો ધંધો પડી ભાંગ્યો છે. આવી સ્થિતિમાં એસોસિએશને વેક્સિન વગરના લોકો માટે નો-એન્ટ્રી કરી છે તે ચોક્કસથી નિર્ણય લોકહિતમાં સારો છે, પરંતુ તેની ધંધા ઉપર અસર પડશે.
હોટલ-રેસ્ટોરન્ટઃ અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. હોટલમાં આવતા તમામ લોકોએ પોતાનું વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત રહેશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને આ બાબતે પત્ર લખી જાણ કરવામાં આવી છે. હોટલમાં આવતા ગ્રાહકોએ વેક્સિનનો પ્રથમ અથવા બીજો ડોઝ ન લીધો હોય તો પ્રવેશ આપવાનો રહેશે નહીં. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા હોટલના તમામ કર્મચારીઓના વેક્સિનેશન કરાવી લેવા સૂચના આપી દેવાઈ છે. તે ઉપરાંત હોટેલના માલિકો અથવા તો મેનેજરોએ હોટલમાં આવતા 18 વર્ષથી ઉપરના તમામ ગ્રાહકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે.
કાંકરિયાઃ અમદાવાદ શહેરમાં નો વેક્સિન, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કાંકરિયા લેકફ્રન્ટ ખાતેથી અત્યાર સુધીમાં કોરોના વેક્સિન વગરના ત્રણ હજાર મુલાકાતીઓને પરત મોકલવામાં આવ્યા છે.
AMTS-BRTS: અમદાવાદમાં જાહેર પરિવહનની બે સેવા એએમટીએસ અને બીઆરટીએસમાં વેક્સિન વગર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. જે લોકો વેક્સિન લઈ લીધી હોય પરંતુ તેમની પાસે સર્ટિફિકેટ ન હોય તેમને પણ મુસાફરી કરવા દેવામાં આવતી નથી. પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસે કેટલાક એએમટીસ અને બીઆરટીએસ બસ સ્ટેસન પર વેક્સિનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)