Ahmedabad Police: અમદાવાદ પોલીસ કમિશનરે ક્રાઈમમાં વધારો થતા 14 PIની કરી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરના 14 પોલીસ ઈન્સપેક્ટરની બદલીઓ કરવામાં આવી છે.
અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરના 14 પોલીસ ઈન્સપેક્ટરની બદલીઓ કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં વઘી રહેલી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા 14 PIની બદલી કરવામાં આવી છે. વટવા, એ-ટ્રાફિક, ગોમતીપુર-2, રખિયાલ-2, SG-2 ટ્રાફિક, SG-1 ટ્રાફિક, બોડકદેવ, અમરાઈવાડી અને ખાડીયાના PIની બદલી કરવામાં આવી છે.
અમદાવાદમાં છેલ્લા એક મહિનાની અંદર હત્યા અને ચોરીના બનાવમાં રોકેટ ગતિએ વધારો થયો હતો. અમદાવાદમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈ સામાન્ય લોકોમાં પણ ભયંકર રોષ છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાની અંદર અંદાજે 8 લોકોની હત્યાએ શહરેના લોકોને હચમચાવીને રાખી દિધા છે.
કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકની હત્યા
કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. . અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરતા બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરી દિધા હતા.
નહેરુનગર ફાયરિંગમાં હત્યા
નહેરૂનગર સર્કલ- ધરણીધર રોડ પર સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ શાકભાજીના વેપારી પર ફાયરીંગ કરી હત્યા કરી હતી. બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
અમદાવાદ શહેરમાં વધતા રોડ અકસ્માત અને વધતા અસમાજિક તત્વો સામે અમદાવાદ શહેર પોલીસે કોમ્બિંગ ડ્રાઈવ શરૂ કરી હતી. જેમાં બે દિવસમાં 3000 જેટલા વાહનચાલકોને દંડવામાં આવ્યા. શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા ગૃહમંત્રીએ આદેશ આપ્યા બાદ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, કોમ્બિંગ નાઈટ ઓપરેશનમાં અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બર્ડગુજર પણ હાજર રહ્યા હતા.
જુહાપુરા વિસ્તારમાં જેસીપીએ હથિયારધારી જવાનોને સાથે રાખીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અનેક વાહન ચાલકો ગુનાહિત પ્રવૃત્તિ કરાયેલા ઝડપાયા હતા જેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા આ સાથે જ લાઇસન્સ વિના તેમજ અપૂરતા ડોક્યુમેન્ટ સાથે વાહન ચલાવનાર સામે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.