Ahmedabad: લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ કરતા પહેલા લાયસન્સ લેવું ફરજિયાત, ધ્વનિ પ્રદૂષણ મુદ્દે અમદાવાદ પોલીસનું સોગંદનામુ
રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.
Ahmedabad: રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જે અનુસાર, લાઉડ સ્પીકર વેચનારે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય લાઉડ સ્પીકર ખરીદનારે તેના જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ ફરજિયાત લેવું પડશે. પોલીસની મંજૂરી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શરતોને આધિન લાઉડ સ્પીકર વગાડવા પોલીસ મંજૂરી આપશે.
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંક વિસ્તાર, રેલ, ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહીં.
તે સિવાય હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સિસ્ટમનો ઉપયોગ થઈ શકશે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો કે ગીતનો માઈક સિસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. ટ્રાફીકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહિ.
ચોક્કસ ડેસીબલ સુધીના અવાજ પ્રમાણેના લાઉડ સ્પીકરને જ મંજૂરી આપવાનો નિયમ છે. આ નિયમ છતાંય સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકર બેફામ વાગી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ આવા ગુના નોંધવાની જોગવાઈ કરાઈ હોવાની પોલીસે કબૂલાત કરી હતી.
કલમ 188 માં આવેલા સુધારા બાદ હવે જાહેરનામા ભંગ બદલ સીધી એફઆઇઆર પર કોર્ટ કાર્યવાહી થઈ શકશે.
જાહેર રસ્તા કે અન્ય સ્થળે ડીજે ટ્રક કે વાજિંત્રોના ઉપયોગ માટે સાત દિવસ અગાઉથી પરવાનગી લેવાની રહેશે.
સક્ષમ પોલીસ અધિકારી ગમે તે સમયે આ પરવાનગી જોવા માંગે તો તેને બતાવવી પડશે. રાત્રિના 10:00 થી સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે ટ્રક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.