અમદાવાદમાં ચાર કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર
મણીનગરમાં ગોરના કુવા પાસે વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટ લાગવાથી એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.
અમદાવાદઃ અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં ચાર કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. દોઢ ઇંચ વરસાદમા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ચકુડિયા, રામોલ, નિકોલ અને મણિનગરમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પાલડીમાં સવા બે ઇંચ, હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ હતું.
મણીનગરમાં ગોરના કુવા પાસે વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટ લાગવાથી એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. શહેરના પૂર્વ ઝોનમાં આવેલ ચકુડીયા, વટવા, મણીનગર અને નિકોલમાં ફક્ત ચાર કલાકમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાને લીધે પૂર્વના રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ચાર રસ્તાથી નારોલ સર્કલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઈસનપુર હાઈવે ચાર રસ્તાથી મોની હોટલ, મટનગલીથઈ નારોલ સર્કલ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કાશીરામ ટેક્સટાઈલ જંક્શન, ઈસનપુર ક્રોસ રોડ, પ્રિંસ હોટેલ, મોતી બેકરી, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે ખોખરા, હાટકેશ્વર સર્કલ, ઓઢવ ચાર રસ્તા, વિરાટનગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.30 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા ભારે વરસાદથી પાણી પાણી થયુ હતુ. શહેરના ગોવિંદનગર, પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઈડર-શામળાજી રોડ પર પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મહાવીરનગર, મોતીપુરા, સિવિલ સર્કલ, ન્યાય મંદિર અને ટાવર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ હિંમતનગર પોસ્ટઓફિસથી ટાવર રોડ પર પાણી ભરાયા હતા.
બનાસકાંઠાના પાલનપુર સહિત કાંકરેજ, દિયોદર, ધાનેરા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 38 ટકા જ વરસાદ નોંધાયો છે. દિયોદર શહેર અને તાલુકાના ગામોમાં 2 દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ વરસ્યો હતો.