100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, શક્તિ વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Shakti Cyclone: ગુજરાતમાં આબોહવામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે.

Shakti Cyclone: ગુજરાતમાં આબોહવામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળશે. શક્તિ વાવાઝોડું હાલ દ્વારકા તરફ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકી શકે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે આ વાવાઝોડાની અસર વધુ દેખાશે.
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 6થી 9 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વીજપોલ અને વૃક્ષો ધરાશાઈ થવાની શક્યતા છે, સાથે જ દરિયામાં ભારે કરંટ સર્જાઈ શકે છે. દ્વારકા નજીક પહોંચતાં વાવાઝોડું થોડી નબળાઈ દર્શાવશે તેવી ધારણા છે.
મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ
આ વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ખાસ કરીને ખાનપુર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે. આ અચાનક વરસાદથી હવામાનમાં ઠંડકનો અહેસાસ થયો છે અને ખેડૂતોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.
ભાદર–1 ડેમ ઓવરફલો
આ સાથે સૌરાષ્ટ્રમાંથી ખુશીની માહિતી પણ મળી છે. જેતપુર નજીકનો ભાદર–1 ડેમ, જે સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ગણાય છે, આજે ઓવરફલો થયો છે. 34 ફૂટ સપાટી ધરાવતા આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ 282 ક્યુસેક પાણીની આવક સામે તેટલું જ પાણી જાવક તરીકે છોડવામાં આવી રહ્યું છે. રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ સહિતના વિસ્તારોને પીવાનું પાણી પૂરૂં પાડતો આ ડેમ સૌની યોજના અને વરસાદી પાણીના સંયોજનથી પહેલીવાર ભરાઈ ગયો છે. અધિકારીઓએ નદીના પટમાં અવરજવર ન કરવા ગોંડલ, ધોરાજી અને આસપાસના ગામોને ચેતવણી આપી છે.
આછીદ્રા ગામના વૃદ્ધનું ડૂબી જવાથી મોત
તે જ સમયે, ગીર સોમનાથ જિલ્લાના દેદા ગામે દુઃખદ ઘટના બની છે. આછીદ્રા ગામના વૃદ્ધ દેવાયત બારડ તળાવમાં ચપ્પલ લેવા ઉતરતા પગ લપસતા પાણીમાં ખાબક્યા હોવાનું અનુમાન છે. તળાવમાં મગર હોવાને કારણે શોધખોળ મુશ્કેલ બની હતી, છતાં ફાયર જવાનોએ જોખમ વચ્ચે તળાવમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.





















