Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, 28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

Gujarat Rain: ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અને આવતીકાલે, 25મી ઑગસ્ટના રોજ, ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 28મી ઑગસ્ટ સુધી ગુજરાતમાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર, મધ્ય, અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઝાપટાં પડવાની શક્યતા છે. આ વરસાદી માહોલ પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ ચાલુ રહી શકે છે. જોકે, તેમણે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન ભારે ગરમી પડી શકે છે.
સાબરમતી નદીમાં ફસાયેલા લોકોને બચાવવા NDRFની ટીમ કાર્યરત
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વાગડી ગામ નજીક સાબરમતી નદીમાં ફસાયેલા છથી સાત લોકોને બચાવવા માટે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ લોકો ગઈકાલ સવારથી નદીના પાણી વચ્ચે ફસાયેલા છે.
સ્થાનિક રેસ્ક્યૂ ટીમને સફળતા ન મળતા NDRFને બોલાવવામાં આવી હતી. અગાઉ, સ્થાનિક ટીમની એક બોટ પલટી ગઈ હતી, જોકે રેસ્ક્યૂ ટીમના જવાનોનો આબાદ બચાવ થયો હતો. હાલ, NDRFની ટીમ બોટ દ્વારા ફસાયેલા લોકોને બહાર લાવવા માટે કામ કરી રહી છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ, પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 મીમી, રાણાવાવમાં 22 મીમી અને કુતિયાણામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચ (73 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય, ઊંઝામાં 54 મીમી, ખેરાલુમાં 50 મીમી અને સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો છે.
સુરવો ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો
જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલો સુરવો ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમ સાઈટ વિસ્તારના થાણા ગાલોળ, ખજૂરી ગુંદાળા, અને ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
વડોદરાના શિનોર તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાધલી ગામમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સિઝનમાં શિનોરમાં અત્યાર સુધી કુલ 26.73 ઇંચ વરસાદ નોંધાયો છે.





















