(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Rain: અમદાવાદમાં મેઘતાંડવ, વૃક્ષો ધરાશાયી, અનેક વિસ્તાર જળમગ્ન, રસ્તાઓ બ્લોક
બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે
Ahmedabad Rain:બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન સક્રિય થયું છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદમાં સતત ભારે વરસાદે આફત સર્જી છે. અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. ખાસ કરીને રેસિડેન્શિયલ વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.બોપાલ, સેલા, આનંદનગગર, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારમાં જળમગ્ન થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, અમદાવાદ શહેરમાં અનેક રસ્તાઓ પણ પાણી ભરાઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
અન્ડરપાસમાં બસ ફસાઇ
ધોધમાર વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ છે. અમદાવાદના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતાં વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો છે. પરિમલ અન્ડરપાસમાં લક્ઝરી બસ ફસાઇ જતાં બસમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાણી ભરાયેલુ હોવા છતા ડ્રાઈવરે અન્ડરપાસમાં ઉતારી બસ હોવાથી 25 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે સત્વરે પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી.
અમદાવાદમાં 28 સ્થળોઓ વૃક્ષો ધરાશાયી
અમદાવાદમાં આખી રાત અતિ ભારે પવન સાથે વરસાદ વરસતાં અમદાવાદવાસીઓની મુશ્કેલી વધી છે. એક બાજુ વરસાદના કારણે અનેક રોડ રસ્તા પર મસમોટા ગાબડાં પડ્યાં છે તો બીજી તરફ આ ખાડાવાળો રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને તેમાં પણ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા સંપૂર્ણપણે બ્લોક થઇ ગયા છે. આ કારણે સવારે કામધંધા અર્થે બહાર જતાં લોકોની પારાવાર મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદમાં એક રાતમાં લગભગ 28 જગ્યાએ વૃક્ષો ધરાશાયી છે. પશ્ચિમ ઝોનમાં 13,દક્ષિણ પશ્ચિમઝોનમાં 4 સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. ઉત્તર પશ્ચિમઝોનમાં 4 સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. તો ,દક્ષિણ ઝોનમાં 5 અને મધ્યઝોનમાં 2 વૃક્ષ ધરાશાયી થયા છે.