વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની ચિંતન શિબિર, 40થી વધુ નેતાઓ ગુજરાતમાં કરશે મંથન
ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર યોજાશે. નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે
અમદાવાદ: ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને 16 મેના રોજ યોજાશે. નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણી લક્ષી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે. વર્ષના અંતમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના 40 થી વધુ નેતાઓ બે દિવસ સુધી ચૂંટણી અંગે વિચારણા કરશે. આવતી કાલે એટલે કે 15 અને 16 મેના રોજ ભાજપનું ચિંતન શિબિર યોજાઈ રહ છે, જેમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. પાર્ટીની કોર કમિટીના સભ્યો તેમજ સંસદીય બોર્ડના સભ્યો બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ભાજપ મહામંત્રીની સાથે સંગઠનના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પાર્ટીની આ પ્રથમ ચિંતન શિબીર છે.
ક્યાં નેતાઓ હાજર રહેશે
1.અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી
2. ભુપેન્દ્ર યાદવ, પ્રભારી
3. સુધીર ગુપ્તા, સહ પ્રભારી
4. ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
5. સી આર પાટીલ, પ્રદેશ અધ્યક્ષ
6. મહામંત્રીઓ
7. અમુક ઉપાધ્યક્ષ
8. પૂર્વ મંત્રીઓ
9. હાલના મંત્રીઓ
10. પૂર્વ મુખ્યમંત્રી
11. પૂર્વ નાયબ મુખ્યમંત્રી
શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે. બેઠકમાં મહત્વના બે સમુદાય આદિવાસીઓની સાથે પાટીદાર સમાજની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લી છ ટર્મથી ભાજપ સત્તા પર હોવાથી, એન્ટી ઈન્કમ્બન્સી તેમજ મોંઘવારીના મુદ્દાને લઈને ભાજપના નેતાઓને આ શિબિર દ્વારા જનતા સુધી પહોંચવાનો માર્ગ મળશે. આ બેઠકમાં કેટલાક સત્રો હશે જેમાં સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઈટી સેલના સત્રો પણ હશે. જિલ્લા, તાલુકા અને મહાનગર દ્વારા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ થશે. સંગઠનાત્મક કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20 થી 21 મે દરમિયાન જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ગુજરાતમાં ચિંતન શિબિર મહત્વપૂર્ણ બની રહેશે.
આવતી કાલથી શરૂ થતી ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમા સરકાર અને સંગઠનની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન ભાજપની ચિંતન શિબિરમાં રજૂ કરાશે. થોડા દિવસો પહેલા જ નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન CMO દ્વારા તૈયાર કરાયું હતું. બે દિવસ પહેલા બે મંત્રીઓની હાજરીમાં CMOના અધિકારીઓ તૈયાર કરાયેલા પ્રેઝન્ટેશનનું રિવ્યુ કરાયું હતું. જેમા નવી સરકારની કામગીરી, નવી યોજનાઓ, સરકારની ઉપલબ્ધીઓ,પ્રશ્નો ના લવાયેલા ઉકેલો સાહિતમાં મુદ્દાઓને આધારે પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે. આ ઉપરાંત સંગઠનના વિવિધ કાર્યક્રમો અને કામગીરી અંગેનું પણ એક પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે જે પણ રજૂ થશે. સંગઠન અને સરકારના તાલમેલ અને સંકલન પર પણ ચિંતન શિબિરમાં ચર્ચા થશે.
છેલા 27 વર્ષથી ગુજરાતમાં સતાનો ગઢ જમાવી બેઠેલ ભાજપને આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ ટક્કર આપવા તૈયારી કરી રહી છે. ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર ફોક્સ કરી રહ્યા છે. આ વચ્ચે ભાજપ માટે ચિંતન મહત્વનું બની રહે છે.
ભાજપે લક્ષ્ય તો 182 માંથી 182 બેઠકો જીતવાનો આપ્યો છે, પણ સામે પડકારો પણ ઘણા છે. કોંગ્રેસ કરતા બમણા જોરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરી રહી છે. તો બીજી તરફ કર્મચારીઓના પ્રશ્નોથી લઈ વધતી મોંઘવારીના પણ પડકારો છે. સતત 27 વર્ષ થી શાસનના કારણે એન્ટી ઇન્કમબનસીનો પણ વિષય સામે આવતો હોય છે આ વચ્ચે ચિંતન મનન સ્વાભાવિક છે અને ભાજપની પ્રણાલી પણ છે.