ગોલમાલ! લ્યો બોલો ચણાનું વાવેતર જ નથી કર્યું એવા ખેડૂતોની કરવામાં આવી નોંધણી
ગુજરાતનું પુરવઠા વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે. પહેલા મગફળીની ખરીદીમાં વિવાદ થયો હતો અને હવે ચણાની દાળને લઈને વિવાદ સામે આવ્યો છે. પુરવઠા વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ બીનઆરોગ્યપ્રદ ચણા દાળ અંગે કોંગ્રેસે પ્રહારો કર્યા.
હારીજ: પહેલા મગફળીની ખરીદીમાં વિવાદ થયો હતો અને હવે ચણાની ખરીદીને લઈને વિવાદ સામે આવ્યો છે. હારીજમાં ટેકાના ભાવે ચણાની નોંધણી અને ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે હારીજ APMCના ચેરમેન સામે, APMCના પુર્વ ચેરમેન અને ડિરેક્ટરો સાથે હારીજ શહેર પ્રમુખે ગુજકોમાસોલ રજૂઆત કરી છે. હારીજ વિસ્તારમાં ગેરરીતિ બાબતે ગુજકોમાસોલના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, હારીજ APMCના ચેરમેન ભગવાનભાઈ ચૌધરી ધી હારીજ તાલુકા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ મંડળીનું સંચાલન કરે છે. તો બીજી તરફ ચેરમેન ભગવાનભાઈ ચૌધરી સામે લાગ્યા ગેરરીતિના આરોપ લાગ્યા છે.
APMCમાં આવેલ ચેરમેન પોતાની પેઢીમાં ખરીદી અન્ય ખેડૂતો પાસેથી ખરીદેલા ચણા અન્ય ખેડૂતોના નામે ટેકાના ભાવે ચણા વેંચતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભગવાનભાઈ ચૌધરીના ગામ સાંકરા એક પણ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવેલ નથી છતાં 85 ખેડૂતોની નોંધણી થઈ હોવાની વાત સામે આવી છે. જ્યારે એબીપી અસ્મિતાની ટીમે હારીજના જુના માંકા ગામના ખેડુત ગોવિંદભાઇને ટેકાના ભાવે ચણા વેચવા માટેની નોંધણી કરાવી છે કે નહીં તે બાબતે પૂછતા ગોવિંદભાઈ કયું હતું કે મેં ચણાનું વાવેતર જ નથી કર્યું તો નોંધણી ક્યાંથી કરાવુ. તો હવે સવાલ એ છે કે, ગોવિંદભાઈનો નોંધણીમાં 162 નંબર આવ્યો ક્યાંથી?
આટલું જ નહીં હારીજના અરીઠા, સાંકરા, બુડા અડીયા, તોરણીપુર, કુરજા આ ગામમાં એક પણ વીઘામાં ચણાનું વાવેતર નથી તેવા આક્ષેપ છતાં ખેડૂતો નામેં ટેકાના ભાવે ચણા વેચાવા માટે નોંધણી થઈ ગઈ છે. તો બીજી તરફ હારીજ તાલુકામાં 1050 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું તેની સામે 709 ખેડૂતોએ નોંધણી કરાવી છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક તંત્રને તપાસ કરવા સુચના અપાઈ છે. કૃષિ મંત્રીએ જવાબદારો સામે પગલા લેવા માટે કહ્યુ છે. જો કે આ વાત પણ જાણીતી છે કે, ભુતકાળમાં મગફળીના કૌભાંડ થયા હતા જેમા કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાના પણ આરોપ લાગ્યા હતા. જેથી આ વખતે પણ આરોપીઓ બચાવી આ સમગ્ર પ્રકરણને દબાવી ન દેવાય તેવી માગ કરવામાં આવી રહી છે.