Gujarat university attack : હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ અંગે ક્રાઈમ બ્રાન્ચે 5ની ધરપકડ કરી
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના એ બ્લોકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ ઘર્ષણ મામલે અત્યાર સુધી કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ છે.
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના એ બ્લોકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ ઘર્ષણ મામલે અત્યાર સુધી કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ છે. 16 મી માર્ચના રોજ વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે મામલે 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ હતી. રવિવારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે વધુ ત્રણ આરોપી ની ધરપકડ થઈ છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે જેમાં એ સામે આવ્યું છે કે ઘર્ષણની ઘટના કોઈ ષડયંત્ર ન હતું.
પોલીસ તપાસમાં સૌથી મોટી બાબત એ સામે આવી છે કે આ ઘટના કોઈ ષડયંત્રના ભાગરૂપે નથી બની. 16 મી માર્ચે રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના એ બ્લોક પાસે ક્ષિતિજ પાંડે અને તેના અન્ય ત્રણ મિત્રો ત્યાં હાજર હતા. જેમાં ભરત, જીતેન્દ્ર અને હિતેશનો સમાવેશ થાય છે. આ દરમિયાન વિદેશી વિદ્યાર્થીઓ નમાજ પાડી રહ્યા હતા ત્યારે ક્ષિતિજ અને તેના મિત્રો પૂછપરછ કરવા ગયા હતા. જે દરમિયાન નમાજ પાડી રહેલ વિદેશી વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ ક્ષિતિજ પાંડે ને લાભો ઝીંકી દીધો હતો. જે બાદ ક્ષિતિજે તેના અન્ય મિત્રોને હોસ્ટેલના એ બ્લોક પાસે બોલાવ્યા હતા અને મામલો ઉગ્ર બન્યો. જોકે અત્યાર સુધી થયેલ તપાસમાં મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે સૌથી પહેલા હુમલો વિદેશી વિદ્યાર્થીઓ પૈકી હારુન નામના વિદ્યાર્થીએ લાફો માર્યો અને બાબત ઉગ્ર બની હતી.
ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરી હતી, જ્યારે આજે ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ સાહિલ નામના યુવકની ધરપકડ થઈ છે, બાકીના અન્ય આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ કામે લાગી છે. ઝડપાયેલ આરોપી પૈકી હિતેશ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલ છે, ભરત પટેલ ફૂલો વેપાર કરે છે, ક્ષિતિષ પાંડે આઈ ટી એન્જિનિયર છે જ્યારે જીતેન્દ્ર નામનો યુવક એસી રીપેરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
ગુજરાત યુનિવર્સિટી હુમલામાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે બે અને આજે ત્રણ આરોપી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં આરોપી ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ અને સાહિલ દુધતીયાની ધરપકડ આજે કરાઈ છે. અફઘાની વિદ્યાર્થી હારુને ક્ષિતિજ પાંડેને લાફો માર્યો હતો. લાફો માર્યા બાદ મામલો બીચક્યો હતો.
શનિવાર મોડી રાત્રે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી. હોસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાઝ પઢવાને લઈને અમુક જુથના વિદ્યાર્થીઓએ તેમને રોક્યા હતા અને નમાઝ ન પઢવા માટે દબાણ કર્યુ હતુ. જેને લઈને જ બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં વિદ્યાર્થીઓએ સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટલના રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી.