Ahemdabad News: AMCએ BRTSનો આ રૂટ કર્યો બંધ, આખેઆખો રોડ જ ખોદી નાંખતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં મનપાની કામગીરીથી રાહદારી અને વાહનચાલકોની પરેશાનીમાં વધારો થયો છે. AMCએ શિવરંજનીના BRTS રૂટનો આખેઆખો રોડ જ ખોદી નાંખતા અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે.
Ahemdabad News:અમદાવાદ કોર્પોરેશની ખોદકામની કામગીરી શહેરીજનો માટે ભરચોમાસે નડતરરૂપ બની રહી છે. AMCએ BRTS રૂટનો આખેઆખો રોડ જ ખોદી નાંખ્યો છે. જેના કારણે આ રસ્તે જનારા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
AMCએ BRTS રૂટ પર કામગીરી કરતા હાલ ભર ચોમાસે શિવરંજની વાળો આખેઆખો રોડ જ ખોદી છે. નાંખ્યો હોવાથી જેના કારણે શિવરંજની કોરિડોર બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. હાલ શિવરંજની BRTSનો કોરીડોર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ભર ચોમાસે એએમસીની કામગીરી શહેરીજનો માટે નડતરરૂપ બની રહી છે. એક બાજુ વરસાદી પાણીનો રસ્તા પર ભરાવો તો બીજી તરફ એએમસીની કામગીના કારણે ખોદેલા રોડ આ બધાની વચ્ચે રાહદારી અને વાહનચાલકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે.
ચોમાસામાં જ કેમ AMCને યાદ આવે છે ખોદકામ?
અમદાવાદ કોર્પોરેશન પાસે પૂરતો સમય હોવા છતાં પણ ચોમસા પહેલા કેમ ખોદકામની અને પ્રિમોનસૂન કામગીરી પૂર્ણ નથી થતી? ચોમાસામાં જ કેમ AMCને યાદ આવે છે ખોદકામ? રોડના ખાડા અને ખોદકામથી પરેશાન લોકોમાં આ સવાલ ઉભા થવા સ્વાભાવિક છે.
ભગવાન જગન્નાથજીના જળયાત્રા ના રૂટ પર પણ AMCની નબળી કામગીરી સામે આવી છે. અહીં શુક્રવારે ડ્રેનેજની કામગીરી પૂર્ણ કર્યા બાદ સાંજે જ વિશાળ ભુવો પડેલો જોવા મળ્યો. સોમનાથ ભુદરના આરે આવેલા છેડા ઉપર રોડ બેસી જતાં વિશાળકાય ભૂવો પડ્યો છે. વાહનચાલકો ભુવાના કારણે પરેશાની વેઠી રહ્યાં છે.
અમદાવાદના મકતમપુરા વોર્ડમાં ભુવાઓની વણઝાર જોવા મળી રહી છે, અહીં ચોમાસાની ઋતુમાં પાંચથી વધુ ભુવા પડવાની ઘટના બની છે. મહોમદી પાર્ક સોસાયટી બહાર સૌથી મોટો ભુવો પડતા વાહનચાલકો અકસ્માતના ભય સાથે વાહન ચલાવવા મજબૂર બન્યા છે. સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ભૂવો પડતાં સોસાયટીના રહિશોની ચિંતા વધી છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, પ્રથમ રાઉન્ડના વરસાદે રાજ્યમાં ઠેક ઠેકાણે તંત્રની પોલ ખોલી દીધી છે. અમદાવાદ શહેરમાં પ્રથમ રાઉન્ડના વરસાદમાં મોટાભાગના રસ્તાં તુટી ગયા છે અને આ કારણે પ્રજાને અને વાહનચાલકોને ભારે હાલાકી પડી છે. મળતી માહિતી પ્રમાણે, ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદ શહેરમાં 250 વધુ જગ્યાઓએ રૉડ તુટી ગયા છે, છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આડેધડ ખોદકામ અને બાંધકામે શહેરની સ્થિતિ ચોમાસામાં બગાડી દીધી છે, આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રૉડની તુટવાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ રૉડ અને રસ્તાં પશ્ચિમ ઝૉનમાં તુટ્યા છે. શહેરમાં માત્ર 6 ઇંચ વરસાદમાં જ પશ્ચિમ ઝૉનમાં 94 સ્થળોએ રૉડ-રસ્તાં તુટી ગયા છે. પૂર્વ ઝૉનમાં 57 સ્થળોએ રૉડ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. વળી, ઉત્તર પશ્ચિમ ઝૉનમાં 11 સ્થળોએ રૉડ તૂટ્યા છે તો દક્ષિણ ઝૉનમાં માત્ર એક જ જગ્યાએ ઉપર રોડ તુટ્યો છે. આ ઉપરાંત મધ્ય ઝૉનમાં 5 સ્થળોએ રૉડ તૂટવાની ઘટના છે. ખાસ વાત છે કે, ઉત્તર પશ્ચિમ ઝૉનમાં 10 સ્થળો ઉપર રૉડ અને રસ્તાં પર થીંગડા મારવામાં આવ્યા છે.