ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ
પ્રાથમિક સુવિધાના અભાવે આર્થિક સ્થિતિ કથળતા 100 પરિવારના 600 લોકોએ ઈચ્છામૃત્યુની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે.
AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ એક સાથે 600 લોકોએ ઈચ્છામૃત્યુ ( euthanasia)ની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે. પોરબંદર (Porbandar) ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના પ્રમુખે હાઇકોર્ટ (Gujarat High Court) માં અરજી કરી અને કહ્યું કે પ્રાથમિક સુવિધા મળવી જોઇએ તે નથી મળતી.પ્રાથમિક સુવિધાના અભાવે આર્થિક સ્થિતિ કથળતા 100 પરિવારના 600 લોકોએ ઈચ્છામૃત્યુની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. ખાસ સમુદાયના લોકોને સરકાર રાજકિય કિન્નાખોરી રાખી સુવિધા ન આપતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિક કક્ષાએ અને રાજ્યપાલ સુધી અનેક રજૂઆત કર્યા બાદ નિરાકરણ ન આવતા ઇચ્છામૃત્યુની માંગ સાથે હાઇકોર્ટ (Gujarat High Court) માં અરજી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટમાં આ અરજી પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટ અને જામનગરમાં કમોસમી વરસાદ
રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજું કમોસમી વરસાદ પણ પડ્યો છે. રાજકોટ અને જામનગર જિલ્લાના તાલુકાઓમાં આજે 5 એપ્રિલે માવઠું પડ્યું છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. વાદળછાયું વાતાવરણ બન્યાં બાદ કાલાવડ તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વચ્ચે કરા પણ પડ્યાં હતા. કાલાવડ તાલુકાના ખરેડી, નાના વડાળા, ડેરી, ગુંદા, મેટિયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યાં.
તો રાજકોટ જિલ્લાના ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પણ માવઠું પડ્યું. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે શાપર-વેરાવળ, રીબડા ,પારડી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો.
રાજકોટ અને જામનગર જિલ્લાના કાલાવડ, ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકમાં નુકસાની થવાનો ભય વ્યાપ્યો છે. ઉનાળું પાક મગ, તલી , ડુંગળી સહિતના પાકો માં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.