Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબી બીમારી બાદ દુનિયાને કહ્યું અલવિદા; વડાપ્રધાને ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ આપી.

Dharmendra death news: ભારતીય ફિલ્મ જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના સુપરસ્ટાર અને 'હી-મેન' તરીકે જાણીતા ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષની વયે અવસાન થયું છે. હિન્દી સિનેમામાં પોતાના દમદાર અભિનય અને આગવી શૈલીથી કરોડો દિલો પર રાજ કરનાર આ દિગ્ગજ અભિનેતાની વિદાયથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિધનને ભારતીય સિનેમાના એક સુવર્ણ યુગનો અંત ગણાવ્યો છે.
PM મોદીએ વ્યક્ત કર્યો શોક: "તેમની સાદગી હંમેશા યાદ રહેશે"
ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક હૃદયસ્પર્શી સંદેશ લખ્યો છે. પીએમ મોદીએ લખ્યું, "ધર્મેન્દ્રજીનું નિધન એ ભારતીય સિનેમામાં એક યુગના અંત સમાન છે. તેઓ એક અદ્ભુત કલાકાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હતા, જેમણે પોતાની દરેક ભૂમિકામાં એક અલગ જ આકર્ષણ અને ઊંડાણ ઉમેર્યું હતું. તેમણે ભજવેલા વિવિધ પાત્રો અસંખ્ય લોકોના હૃદયને સ્પર્શી ગયા છે. ધર્મેન્દ્રજી તેમની સાદગી, નમ્રતા અને હૂંફ માટે હંમેશા પ્રશંસનીય રહેશે. આ દુઃખદ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને કરોડો ચાહકો સાથે છે. ઓમ શાંતિ."
સ્વાસ્થ્ય સંઘર્ષ: છેલ્લા દિવસોમાં બગડી હતી તબિયત
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. તેમને ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અહેવાલો મુજબ, તેમને નિયમિત તપાસ અને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સુધારા બાદ પરિવાર તેમને ઘરે લાવ્યો હતો અને ત્યાં જ તેમની દેખરેખ માટે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, તમામ પ્રયાસો છતાં તેમની તબિયત લથડતી ગઈ અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના સ્વાસ્થ્યની ગંભીરતા જોઈને સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિતના બોલિવૂડ સ્ટાર્સે પણ તેમની મુલાકાત લીધી હતી.
The passing of Dharmendra Ji marks the end of an era in Indian cinema. He was an iconic film personality, a phenomenal actor who brought charm and depth to every role he played. The manner in which he played diverse roles struck a chord with countless people. Dharmendra Ji was…
— Narendra Modi (@narendramodi) November 24, 2025
6 દાયકાની શાનદાર સફર
હિન્દી સિનેમામાં ધર્મેન્દ્રનું યોગદાન અવિસ્મરણીય છે. તેમની કારકિર્દી લગભગ 6 દાયકા સુધી ચાલી હતી.
શરૂઆત: તેમણે 1960 માં ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
યાદગાર ફિલ્મો: ત્યારબાદ તેમણે "શોલે," "ફૂલ ઔર પત્થર," "હકીકત," "અનુપમા," "ચુપકે ચુપકે," "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી.
સન્માન: વર્ષ 2012 માં ભારત સરકારે કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી નવાજ્યા હતા.





















