'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!.

Gangs of Gujarat crackdown: હોળીની રાત્રે વસ્ત્રાલમાં લુખ્ખાઓ દ્વારા મચાવવામાં આવેલા આતંક બાદ ગુજરાત સરકાર ત્વરિત કાર્યવાહીમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપીને ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની સમયમર્યાદા પૂર્ણ થતાં જ હવે 'ગેંગ્સ ઓફ ગુજરાત' સામે સકંજો કસવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાત પોલીસે રાજ્યના ચાર મહાનગરો સહિત વિવિધ જિલ્લાઓના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી છે અને તેમની કમર તોડવાની કામગીરી હાથ ધરી છે. સખત ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસા અને તડીપાર જેવા કડક પગલાં લેવામાં આવશે. આ સાથે જ જે લુખ્ખાઓએ ગેરકાયદેસર બાંધકામો ઊભા કર્યા છે તેમની તપાસ કરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. ગુજરાત પોલીસ આજેથી જ અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં એક્શન મોડમાં જોવા મળશે.
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવાની શરૂઆત આજે સવારથી જ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે.
દરિયાપુરમાં મનપસંદ જિમખાના ધરાશાયી
શહેરના દરિયાપુર વિસ્તારમાં વાઘજીપુરા પાસે આવેલા કુખ્યાત મનપસંદ જિમખાના પ્રાઇવેટ લિમિટેડના ગેરકાયદેસર બાંધકામને તોડવાની કાર્યવાહી મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અહીં ગામા પટેલ દ્વારા ચલાવવામાં આવતા આ જુગારધામના બિલ્ડિંગમાં ત્રીજા માળે ગેરકાયદેસર શેડ ઊભો કરવામાં આવ્યો હતો, જેને આજે તોડી પાડવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપર કોપ તરીકે જાણીતા નિર્લિપ્ત રાયે મનપસંદ જિમખાના અંગેની તમામ માહિતી મેળવી હતી. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને SMCના પી.આઈ સાથે આ બિલ્ડિંગ અંગે પૂછપરછ કરી હતી. તેમજ અગાઉ જ્યારે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે કઈ જગ્યાએ જુગાર રમાતો હતો તેની માહિતી પણ મેળવી હતી. ગેરકાયદેસર બાંધકામ અંગેની ખાતરી કર્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સરખેજ અને સરદારનગરમાં પણ ડિમોલિશન
અમદાવાદના સરખેજ વિસ્તારમાં પણ નામચીન ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સરદારનગર વિસ્તારમાં પણ એક લિસ્ટેડ બુટલેગરની બેનામી મિલકતને તોડી પાડવામાં આવી છે.
મનપસંદ જિમખાના ખાતે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી દરમિયાન SMCના વડા પણ ખાસ હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે આ કાર્યવાહીને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. વર્ષ 2019માં પણ આ જ ગેરકાયદે શેડને તોડવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળવાના કારણે તે સમયે કાર્યવાહી થઈ શકી ન હતી. જો કે, હવે એસીપી કક્ષાના અધિકારી અને બે પીઆઈ સાથેનો પોલીસ બંદોબસ્ત ફાળવીને આ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
