(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પટેલે સરકારના કર્યા વખાણ અને કોંગ્રેસના પોસ્ટરમાંથી હાર્દિકનો ફોટો ગાયબ, જાણો સમગ્ર મામલો
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસની સત્યમેવ જયતે જનસભાના પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો સમાવવામાં આવ્યો નથી.
AHMEDABAD : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લઇ રહ્યો. ગયા મહિને હાર્દિકે પાર્ટી વિરુદ્ધના કરેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માથી લઈને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સુધીના મોટા નેતાઓએ હાર્દિક પટેલને તેના નિવેદન બાદલ આડકતરી રીતે ઠપકો આપ્યો હતો. હાર્દિક પટેલના નિવેદનને એવી રીતે જોવામાં આવી રહ્યાં હતા કે તે કોંગ્રેસ છોડવાના મૂડમાં છે.
જો કે હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે સબ સલામત હૈં અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જ રહેશે. જો કે ત્યારબાદ બે દિવસ પહેલાં જ હાર્દિક પટેલે ડ્રગ્સ મામલે સરકારના અધિકારીઓના વખાણ કરી સૌને ચોંકાવી દીધા. તો કોંગ્રેસે પણ હાર્દિક પટેલને ચોંકાવતા એક જનસભાના પોસ્ટરમાંથી તેનો ફોટો જ ગાયબ કરી દીધો.
કોંગ્રેસની જનસભાના પોસ્ટરમાંથી હાર્દિકનો ફોટો ગાયબ
આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલા બે-બે કેસમાં જામીન પર છૂટ્યાં બાદ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાત પરત આવી રહ્યાં છે. તેમના સન્માન-સત્કારમાં ગુજરાત કોંગ્રેસ ‘સત્યમેવ જયતે જનસભા’ કરી રહી છે. જો કે કોંગ્રેસની આ જનસભાના પોસ્ટરમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્માનો ફોટો છે, પણ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો ફોટો ગાયબ છે. આ બાબતથી હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોરનો ખટરાગ સામે આવ્યો છે.
જો કે આ પહેલા હાર્દિકે પણ એક જનસભાના પોસ્ટરમાંથી જગદીશ ઠાકોરનો ફોટો સામેલ કર્યો ન હતો. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ઔરભરી રઘુ શર્માએ સમાધાનનો દાવો કર્યો હતો, પણ બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું નથી. જો કે આ ઘટનાને હાર્દિક પેટેલે ગુજરાત સરકારના આડકતરી રીતે કરેલા વખાણ સાથે પણ જોવામાં આવી રહી છે.