લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
મોરવાડ ગામ પાસે બ્રિજ પર સર્જાયેલો અકસ્માત, ૧૦ થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા, હાઈવે પર ટ્રાફિક જામ.

limbdi rajkot accident: લીંબડી રાજકોટ હાઈવે પર આજે એક ગોઝારી ઘટના બની છે. મોરવાડ ગામ નજીક બ્રિજ પર ડમ્પર અને મીની ખાનગી ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ૧૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ કરૂણ અકસ્માત અમદાવાદ રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર બન્યો હતો. રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલી મીની બસ અને સામેથી આવી રહેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને બસમાં સવાર અન્ય મુસાફરોની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સની પાંચથી છ ગાડીઓ દ્વારા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખવિધિ શરૂ કરી દેવામાં આવી છે અને અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા હાઈવે પર ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
