PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM Modi Rajkot Visit: 2026 ના આરંભે ગુજરાત આવેલા વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટમાં રોકાણકારોને આપ્યો મંત્ર- ‘યહી સમય હૈ, સહી સમય હૈ’; કચ્છમાં વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક બની રહ્યો છે.

Vibrant Gujarat Saurashtra Regional Conference: વર્ષ 2026 ના પ્રારંભે પોતાના પ્રથમ ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રાજકોટની ધરતી પરથી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. 'વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સ' (Vibrant Gujarat Saurashtra Regional Conference) નો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત આગવી ગુજરાતી શૈલીમાં "કેમ છો?" કહીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "વર્ષ 2026 શરૂ થયા બાદ આ મારો ગુજરાતનો પહેલો પ્રવાસ છે અને સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને તેની શરૂઆત થઈ છે તે સુખદ છે." આ પ્રસંગે તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લાઓમાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDC (ગુજરાત ઔદ્યોગિક વસાહત) ની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ નવી વસાહતો જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં આકાર પામશે.
'રાજકોટ, મોરબી અને જામનગર બન્યા મીની જાપાન'
વડાપ્રધાને પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે, "એક સમયે મેં કહ્યું હતું કે હું જોઈ શકું છું કે રાજકોટ, મોરબી અને જામનગરનો ત્રિકોણ 'મીની જાપાન' (Mini Japan) બનશે, ત્યારે મારી મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ આજે હું મારી આંખો સામે તે હકીકત જોઈ રહ્યો છું." તેમણે ઉમેર્યું કે રાજકોટમાં જ 2.50 લાખ MSME છે અને અહીં હવે રોકેટ તથા એરોપ્લેનના પાર્ટ્સ બની રહ્યા છે. આ વિસ્તાર આત્મનિર્ભર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે.
કચ્છ-સૌરાષ્ટ્રની કાયાપલટ: ભૂકંપથી વિકાસ સુધીની સફર
પીએમ મોદીએ કચ્છના ભીષણ ભૂકંપ અને સૌરાષ્ટ્રના દુષ્કાળના દિવસોને યાદ કરતા કહ્યું કે, "આજે જે 20 વર્ષના યુવાનો છે તેમણે માત્ર તે સમયની વાતો સાંભળી છે. ત્યારે વીજળીના ઠેકાણા નહોતા અને પાણી માટે બહેનોને કિલોમીટર સુધી જવું પડતું હતું. પરંતુ અહીંના લોકોના પરિશ્રમે નસીબ બદલી નાખ્યું છે. આજે કચ્છમાં 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પણ ત્રણ ગણો મોટો હશે અને દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ એનર્જી પાર્ક હશે."
રોકાણકારો માટે ખુલ્લું આકાશ: યહી સમય હૈ, સહી સમય હૈ
રોકાણકારોને આકર્ષતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા મંત્રનો પુનરોચ્ચાર કર્યો કે, "યહી સમય હૈ, સહી સમય હૈ." તેમણે ભારતના અર્થતંત્ર પર વાત કરતા કહ્યું કે, આજે IMF જેવી ગ્લોબલ સંસ્થાઓ ભારતને 'ગ્લોબલ ગ્રોથનું એન્જિન' ગણાવે છે. S&P એ 18 વર્ષ પછી ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. ભારત હવે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (3rd Largest Economy) બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.
ગુજરાતની વિશેષતાઓ અને ભવિષ્યનું વિઝન
ટુરિઝમ: ગુજરાતમાં નેચર, એડવેન્ચર અને હેરિટેજનું અનોખું મિશ્રણ છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. શિવરાજપુર, માંડવી અને દીવ બીચ ટુરિઝમ માટે હોટસ્પોટ બની રહ્યા છે.
ગ્રીન હાઈડ્રોજન: કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે.
સેમિકન્ડક્ટર: ધોલેરામાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેસિલિટી તૈયાર થઈ રહી છે, જે લાંબા ગાળાના વિઝન સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે.
પોર્ટ ડેવલપમેન્ટ: મુન્દ્રા અને પીપાવાવ જેવા પોર્ટ્સ ઓટોમોબાઈલ એક્સપોર્ટ્સના હબ બન્યા છે. ગત વર્ષે ગુજરાતના બંદરો પરથી પોણા બે લાખ વાહનોની નિકાસ થઈ છે.





















