‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
Masood Azhar Audio: 'ઓપરેશન સિંદૂર'માં મળેલા સણસણતા જવાબ બાદ જૈશ એ મોહમ્મદના વડાની હતાશા સામે આવી, કહ્યું વાસ્તવિક સંખ્યા જાણીને મીડિયા ચોંકી જશે.

Masood Azhar Audio: ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે ચિંતા વધારતા એક સમાચાર સામે આવ્યા છે. યુએન દ્વારા પ્રતિબંધિત કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (Jaish e Mohammed JeM) ના વડા અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર ફરી એકવાર સક્રિય થયો હોય તેવું લાગી રહ્યું છે. મસૂદ અઝહરની એક નવી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા અને ગુપ્તચર વર્તુળોમાં વાયરલ થઈ છે, જેમાં તે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. આ ઓડિયોમાં તે ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે કે તેની પાસે હજારોની સંખ્યામાં આત્મઘાતી બોમ્બર (Suicide Bombers) તૈયાર છે, જેઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટે ઉતાવળા થયા છે.
'સંખ્યા જાણીને દુનિયા ચોંકી જશે'
વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહરનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. તે દાવો કરે છે કે જૈશ પાસે માત્ર ગણતરીના નહીં પરંતુ 1,000 થી પણ વધુ ફિદાયીન હુમલાખોરો છે. તેણે પોતાની ધમકીભરી શૈલીમાં કહ્યું, "આ આત્મઘાતી હુમલાખોરો એક નહીં, બે નહીં કે 100 પણ નહીં, પરંતુ 1,000 થી પણ વધારે છે. તેઓ મારા પર દબાણ કરી રહ્યા છે કે તેમને ભારત મોકલવામાં આવે. જો હું મારી પાસે રહેલા લડવૈયાઓની સાચી સંખ્યા જાહેર કરી દઉં, તો આવતીકાલે જ વૈશ્વિક મીડિયા (Global Media) માં ભૂકંપ આવી જશે." અઝહરના કહેવા મુજબ, આ આતંકીઓ પોતાના મિશન માટે જીવ આપવા પણ તૈયાર છે.
🚨🇵🇰👹 Jaish e Mohammad chief Masood Azhar claims that more than one thousand suicide bombers are ready and are pressuring him to allow them to infiltrate India.
— OsintTV 📺 (@OsintTV) January 11, 2026
He says they are highly motivated to carry out attacks and attain Shadat
Azhar says 👇
"Ye ek nahi, dho nahi, 100… pic.twitter.com/wkI2yuaepx
ઓપરેશન સિંદૂરથી અકળાયો છે મસૂદ?
સુરક્ષા નિષ્ણાતો (Security Experts) આ ઓડિયો ક્લિપને મસૂદ અઝહરની હતાશાનું પરિણામ ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવા માટે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindur) હાથ ધરવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, આ ઓપરેશનમાં જૈશ એ મોહમ્મદના અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ તથા કમાન્ડરો માર્યા ગયા હતા. પોતાના સંગઠનને થયેલા આ ભારે નુકસાન અને તૂટતા મનોબળને બચાવવા માટે અઝહરે આ પ્રોપેગન્ડા ઓડિયો જારી કર્યો હોવાનું માનવામાં આવે છે.
સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
જોકે, ભારતીય સુરક્ષા તંત્ર આ ધમકીને હળવાશથી લઈ રહ્યું નથી. મસૂદ અઝહર પાકિસ્તાન (Pakistan) માં બેસીને સતત ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપતો રહ્યો છે. હાલમાં ગુપ્તચર સંસ્થાઓ એ તપાસમાં લાગી છે કે જૈશ પાસે વાસ્તવિક રીતે કેટલી તાકાત બચી છે અને તેમની ભવિષ્યની યોજનાઓ શું છે? સરહદ પર ઘૂસણખોરી (Infiltration) રોકવા માટે સેનાને વધુ સતર્ક કરી દેવામાં આવી છે. આ ઓડિયો ક્લિપે ફરી એકવાર સાબિત કર્યું છે કે પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓ હજુ પણ સક્રિય છે.






















