Ahmedabad: અમદાવાદમાં જાહેરમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સે જાણો શું કર્યો મોટો ખુલાસો
અમદાવાદમાં જાણે કે ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગ નજીક એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ: અમદાવાદમાં જાણે કે ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગ નજીક એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે. મણિનગર પોલીસે લોકેન્દ્રસિંહ શેખાવત નામના વ્યક્તિની અટકાયત કરી હતી. લોકેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનથી આવ્યો હતો. આ ઘટનામાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લોકેન્દ્ર શેખાવત નામના યુવકે લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હોવાનો સ્વીકાર કર્યો છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મણિનગરના ભરચક વિસ્તારમાં બની ઘટના
અમદાવાદના મણિનગર જેવા ભરચક વિસ્તારમાં પોલીસને ચેલેન્જ આપવા જેવી ઘટના બની છે. મણિનગર પોલીસ સ્ટેશનની માત્ર 500 મીટર દૂર આવેલા ચાર રસ્તા ઉપર સાંજના સમયે એક વ્યક્તિ રિવોલ્વર લઈને નીકળ્યો હોવાની માહિતી સ્થાનિકોએ આપી હતી. મણિનગર પોલીસ સ્ટેશન નજીક આવેલી વૃંદાવન જવેલર્સમાંથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને પસાર થતા જોયા બાદ ટોળાએ પોલીસને જાણ કરી હતી. ABP અસ્મિતાએ પ્રત્યક્ષદર્શી સાથે વાતચીત કરતા તમામ વિગતો તેમણે કેમેરા સામે કબૂલ કરી છે.
આરોપી આર્મીમાં કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો
પોલીસે આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપી આર્મીમાં કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો છે. પોતાના ઉપર દેવું વધી જતાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. મૂળ રાજસ્થાનના જયપુરના અને હાલ જમ્મુ કશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા લોકેન્દ્ર શેખાવત સોમવારે જયપુરથી અમદાવાદ પહોચ્યા હતા અને સોમવારે મોડી સાંજે મણિનગર વિસ્તારમાં ફરતા ફરતા વૃંદાવન જવેલર્સ નજીક લૂંટના ઇરાદે પહોચ્યા હતા. જે બાદ જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટી જનતાને ધમકાવવા રિવોલ્વર લઈને નીકળ્યા હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચે 9 હથિયાર સાથે 2 શખ્સોની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 9 હથિયાર સાથે 2 શખ્સોની ધરપકડ કરી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાંથી પકડાયેલા આરોપી રફીક અહેમદની પૂછપરછ દરમ્યાન ખુલાસો થયો કે યુપીથી હથિયાર લાવતા હતા. હથિયારો અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વેચવાના હતા પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા.
હથિયારોને અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાનો હતો ઈરાદો
ધરપકડ કરાયેલ આરોપી અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ અને રફીક અહેમદ ઉર્ફે તીલ્લી શેખ, જેઓ અમદાવાદમાં રહીને ગેરકાયદેસર રીતે હથિયારો હેરાફેરી કરવાના હતા. એક વર્ષથી આ જ ઉત્તર પ્રદેશથી હથિયારોને લાવી અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદાને પાર પાડવા જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પાસેથી 9 જેટલા હથિયારો અને 19 કારતુસ અને 2 મેગેઝીન કબ્જે કર્યા છે.