જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
Atal Bihari Vajpayee Sonia Gandhi call: અશોક ટંડનના પુસ્તકમાં મોટો ખુલાસો, વાજપેયીએ રાષ્ટ્રપતિ બનવાની ના કેમ પાડી હતી? કલામના નામ પર સોનિયા ચોંકી ગયા હતા.

Atal Bihari Vajpayee Sonia Gandhi call: ભારતીય રાજકારણમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે હંમેશા વૈચારિક મતભેદો રહ્યા છે, પરંતુ જ્યારે દેશ પર સંકટ આવે છે ત્યારે અંગત સંબંધો અને માનવતા પક્ષીય રાજકારણથી ઉપરવટ સાબિત થાય છે. આવી જ એક ઘટના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) અને કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) વચ્ચે બની હતી. અટલજીના મીડિયા સલાહકાર રહી ચૂકેલા અશોક ટંડને તેમના પુસ્તક "અટલ મેમોઇર્સ" (Atal Memoirs) માં આ અંગે ચોંકાવનારા અને ભાવુક ખુલાસા કર્યા છે.
13 ડિસેમ્બર 2001 ની તે ભયાનક પળ
પુસ્તકમાં ઉલ્લેખ છે કે જ્યારે 13 ડિસેમ્બર, 2001 ના રોજ લોકશાહીના મંદિર સમાન સંસદ ભવન પર આતંકી હુમલો થયો, ત્યારે વડાપ્રધાન વાજપેયી સંસદમાં નહીં પરંતુ તેમના નિવાસસ્થાને હતા. તેઓ ટીવી પર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક તેમનો ફોન રણક્યો. સામે છેડે સોનિયા ગાંધી હતા. અત્યંત ચિંતાતુર અવાજે સોનિયા ગાંધીએ પૂછ્યું, "મને તમારી ચિંતા છે, શું તમે સુરક્ષિત છો?"
આ સાંભળીને અટલજીએ જે જવાબ આપ્યો તે તેમની મહાનતા દર્શાવે છે. તેમણે કહ્યું, "સોનિયાજી, હું અહીં ઘરે સુરક્ષિત છું, પરંતુ મને તો સંસદમાં હાજર તમારી અને અન્ય સાથીઓની ચિંતા હતી... તમે તમારું ધ્યાન રાખજો." આ ઘટના દર્શાવે છે કે કટોકટીના સમયે નેતાઓ એકબીજાની સુરક્ષા માટે કેટલા સંવેદનશીલ હતા.
વાજપેયીએ રાષ્ટ્રપતિ બનવાની ના કેમ પાડી?
અશોક ટંડને પુસ્તકમાં ભાજપની આંતરિક રાજનીતિ પર પણ પ્રકાશ પાડ્યો છે. તે સમયે પક્ષના કેટલાક નેતાઓ ઈચ્છતા હતા કે વાજપેયી રાષ્ટ્રપતિ બને અને લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદ સંભાળે. જોકે, વાજપેયીએ આ પ્રસ્તાવને ધરાર ફગાવી દીધો હતો. તેમનું માનવું હતું કે લોકશાહીમાં ચૂંટાયેલા અને લોકપ્રિય વડાપ્રધાન અધવચ્ચે રાષ્ટ્રપતિ બને તે સંસદીય પ્રણાલી માટે સારી મિસાલ (Precedent) નથી. તેઓ આવું પગલું ભરનારા છેલ્લા વ્યક્તિ હશે તેમ કહીને તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
ડૉ. કલામના નામ પર સોનિયા ગાંધી ચોંકી ગયા હતા
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી અંગે પણ એક રસપ્રદ કિસ્સો પુસ્તકમાં છે. જ્યારે વાજપેયીએ વિપક્ષના નેતાઓ સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને ડૉ. મનમોહન સિંહને બેઠક માટે બોલાવ્યા અને જણાવ્યું કે NDA એ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr. APJ Abdul Kalam) ને રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કર્યા છે, ત્યારે રૂમમાં સોપો પડી ગયો હતો. સોનિયા ગાંધી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મૌન તોડતા તેમણે કહ્યું હતું કે, "અમે તમારી પસંદગીથી સ્તબ્ધ છીએ, અમારી પાસે તેમને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ નથી." આમ, એક મુસ્લિમ વૈજ્ઞાનિકને રાષ્ટ્રપતિ બનાવીને વાજપેયીએ વિપક્ષને પણ અચંબામાં મૂકી દીધા હતા.





















