Ahmedabad Rain: સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ બેટમાં ફેરવાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદ શહેરમાં આજે ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી. શહેરમાં વરસેલા એકથી બે ઈંચ વરસાદમાં તો સ્માર્ટ સિટી અમદાવાદના દાવાની પોલ ખૂલી ગઈ. શહેરમાં એક પણ સ્થળે પાણી ન ભરાયાના દાવાની વચ્ચે વાસ્તવિકતા એ જોવા મળી કે બે ઈંચ વરસાદમાં જ જાણે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું.
શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વર સર્કલ, ખોખરા રુક્મણીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર, ખોખરા, CTM, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સાથે જ તળિયાની પોળ સારંગપુર નાના પોરવાડનો ખાંચામાં એક મકાનનો ભાગ ધરાશયી થયો.
આ ઉપરાંત તોફાની તાંડવમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા. રસ્તામાં ટ્રાફિક નિયમન માટે રાખેલા બેરિકેડ પણ તોફાની પવની ઝપટે ચડી ગયા. પવનના કારણે ઠેર- ઠેર વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થઈ ગયા. વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડતા અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાયો હતો.
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે સવારથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તેની અસર જોવા મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડશે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 40 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહેશે.
રાજ્યમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે. સૌરાષ્ટ્રના આ ત્રણેય શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.