તહેવારોની ભીડ ભારે પડી ! રાજ્યના આ શહેરમાં 124 દિવસ બાદ કોરોનાના 15થી વધુ નવા કેસ નોંધાયા
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. 10 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા.
અમદાવાદઃ શહેરમાં 124 દિવસ બાદ કોરોનાના 15થી વધુ કેસ નોંધાતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. બુધવારે શહેરમાં 16 કેસ નોંધાયા હતા. આ પહેલા 8મી જુલાઈએ કોરોનાના 15 કેસ નોંધાયા હતા. બુધવારે જોધપુર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યો, ચાંદખેડામાં એક પરિવારના ચાર સભ્ય અને ઈસનપુરમાં એક પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા હતા. જ્યારે અન્ય 3 અલગ અલગ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે નવા 16 દર્દી પૈકી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર જણાઈ નથી. શહેરમાં દિવાળી બાદ કેસ વધવાની શક્યતા જણાતા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને પણ ટેસ્ટિંગ વધાર્યું છે. જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતા ટેસ્ટિંગ કરતા બમણાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. 10 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ મોત થયું નથી. ગઈકાલે 4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 5, વલસાડમાં પાંચ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, જૂનાગઢમાં બે, મોરબીમાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, આણંદમાં એક, ભરૂચમાં એક, ગીર સોમનાથમાં એક, જામગર કોર્પોરેશનમાં એક, કચ્છમાં એક, અને તાપીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 215 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,16,521 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1316 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8621 નાગરિકોને રસીનો પ્રથમ અને 96,528 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,975 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,76,279 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,727 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,28,73,785 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.