(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના વેજલપુરમાં ગેંગવોરમાં એકની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ, પાંચ ટીમો બનાવી વહેલી સવારે કરી તપાસ
એક હત્યા બાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીમાં અંગત અદાવતને લઈને થયેલી ગેંગવોરમાં ફતેવાડી વિસ્તારના સદામ મોમીનની તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. પોલીસે મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન પઠાણ, અલ્લારખા ઉર્ફે ડેરિંગ કુરેશી, અરબાજ ઉર્ફે પોદી સૈયદ, સોહેલ ઉર્ફે બદા સૈયદ અને અફસાના કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
એક હત્યા બાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. વિસ્તારમાં અવારનવાર થતા ગુનાઓને અંકુશમાં લેવા માટે નાયબ પોલીસ કમિશનર ઝોન-7 તથા મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.ચૌહાણની સૂચના મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ઝાલાના સુપરવિઝન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી કોમ્બિંગનું આયોજન કરાયું હતુ.
અલગ અલગ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. રીઢા ગુનેગારો અને શકમંદોની તપાસ કરાઇ હતી. તે સિવાય જે લોકોના ઘરમાંથી તલવાર, છરી મળી આવી હતી તેઓના ઘરે તપાસ કરાઇ હતી. પોલીસે કોમ્બિંગ દરમિયાન કુલ 50 વાહનો ચેક કર્યા હતા અને 02 વાહનોને ડિટેઇન કરી લીધા હતા. તે સિવાય પોલીસે 05 રીઢા ગુનેગારોની તપાસ કરી હતી અને 25 શકમંદ ઇસમોની પણ તપાસ કરાઇ હતી.
નોંધનીય છે કે હત્યા કરનાર મુસ્તકીમ મુશ્કિલ તથા મૃતક સદામ મોમીન વચ્ચે થોડા સમયથી ગેંગવોર ચાલતી આવતી હતી. અને બંને ઈસમો એકબીજા ઉપર હુમલાઓ કરતા હતા. સરખેજનાં ફતેવાડી વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મુશ્કિલ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને MD ડ્રગ્સનો નશો પણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. જોકે સદ્દામ મોમીન તેના સાથીદારોએ ડ્રગ્સ વેચવાની ના પાડતા અંગત અદાવતમાં બે કે ત્રણ દિવસથી એકબીજા ઉપર હુમલા કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હતા.
વેજલપુર પોલીસ સ્ટેશનનાં સેકન્ડ પીઆઈ એક ટીમ સાથે તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ એલિસબ્રિજ ખાતેની SVP હોસ્પિટલ ખાતે વેજલપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો હાથમાં તલવાર જેવા હથિયાર લઈને બજારમાં ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં નાઝ પાન પાર્લર પાસે કેટલાક લોકો તલવાર અને દંડા વડે એક યુવકને રહેંસી નાખ્યો હતો. અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. આ પહેલા જ ડબલ હત્યાનો ચોંકાવનારો બનાવ આવતા પોલીસ પણ સતર્ક બની છે. તેના ભાગરૂપે આજે સવારે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.