અમદાવાદઃ સોલા સિવિલમાંથી અપહરણ કરાયેલી બાળકી 7 દિવસે મળી, કોણે કર્યું હતું અપહરણ?
નિઃસંતાન મહિલાએ બાળકીનું અપહરણ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. 70 પોલીસકર્મીની ટીમ બાળકીની શોધ કરતી હતી. નોંધનીય છે કે, અઠવાડિયા પહેલા સોલા સિવિલમાં 01 દિવસીય બાળકીનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો હતો.
અમદાવાદઃ સોલા સિવિલમાં બાળકીના અપહરણના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 7 દિવસે બાળકી મળી આવી છે. સોલા પોલીસને મોટી સફળતા મળી છે. સરખેજ વિસ્તારમાંથી બાળકી મળી આવી છે. 7 દિવસની મહેનત બાદ પોલીસને બાળકી મળી છે. બાળકી પરિવારને સોંપવામાં આવી છે.
નિઃસંતાન મહિલાએ બાળકીનું અપહરણ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. મહિલાને સાત વર્ષથી સંતાન ન થતુ હોવાથી બાળકીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. 70 પોલીસકર્મીની ટીમ બાળકીની શોધ કરતી હતી. નોંધનીય છે કે, અઠવાડિયા પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં 01 દિવસીય બાળકીનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો હતો. સોલા પોલીસે બાળકીના અપહરણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ બાળકીને શોધવામાં કામે લાગ્યો હતો. મોબાઈલ ટાવર અને ડમ્પ ડેટાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન બાળકીને લઈને જતી એક મહિલાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં એક મહિલા બાળકીને લઈને જતી દેખાતી હતી. આ સીસીટીવીને આધારે પોલીસે સઘન તપાસ કરતાં સાત દિવસે પોલીસને સફળતા હાથ લાગી હતી. નિઃસંતાન મહિલા પાસેથી બાળકી મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પરિવારને બાળકી મળતા પરિવારમાં પણ ખુશીની લાગણી ફરી વળી હતી.
સોલા સિવિલના RMO પ્રદીપ પટેલે બાળકી ગુમ થવા મુદ્દે પોતાની ભુલ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી પણ બેદરકારી અને ક્યાંક ચૂક રહી ગઈ છે. અમે સિક્યુરિટીને પણ નોટિસ આપી ખુલાસો માંગીશુ. આવી ઘટના ન બનવી જોઈએ. સોલા સિવિલમાં 55 થી 60 ગાર્ડની જરૂર છે, તેની સામે 24 કલાકમાં 40 જ ગાર્ડ છે.
સોલા સિવિલ હોસ્પિટલમાંથી સરસ્વતી પાસી નામની માતાની એક દિવસની બાળકીનું અપહરણ થયું હતું. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડમાંથી બાળકીનું અપહરણ થયું હતું. સોલા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.