Rathyatra 2021: અમદાવાદની જગન્નાથ રથયાત્રા યોજાશે કે નહીં ? જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત
આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કહેર ઘટવા લાગ્યો છે. તમામ રોજગાર ધંધાની ગાડી ફરી પાટા પર ચડી ગઈ છે. ભારતમાં જગ્ન્નાથપુરી પછી બીજી જાણીતી અમદાવાદની રથયાત્રા ચાલુ વર્ષે જાશે કે નહીં તેની ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે. જગન્નાથ મંદિરના મંહત દિલીપ દાસજી પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યુ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે.
રિપોર્ટમાં રાજ્યમાં અન્ય શહેરોમા યોજાનારી રથયાત્રાઓને ચાલુ વર્ષે ન યોજવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથેસાથે જન્માષ્ટમીનો મેળો કે અન્ય તહેવારોની ઉજવણી ન કરવા માટે સુચિત કરાયા છે. જેમાં રથયાત્રાના રૂટ પર ભગવાનના રથને જ પસાર કરવામાં આવે અને આ વિસ્તારમાં કરફ્યું જાહેર કરવામાં આવે. જેથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળી શકે. પંરતુ, રથયાત્રાને લઇને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો) એ આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહી પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જુન બાદ જાહેરાત કરી શકે છે.
ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તાબામાં આવતા સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તો હવે કેન્દ્ર સરકારના ઇન્ટેલીજન્સ વિભાગે પણ વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે.
ઇન્ડિયન મેડીકલ એસોશીએનના તબીબોએ પણ સરકારને આ બાબતે એલર્ટ કરી છે કે ભીડભાડ ન થાય તેમજ તહેવારોમાં લોકો ભાન ન ભુલે તે માટે સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. નહીતર સંભવિત ત્રીજી લહેર જોખમી બની શકે તેમ છે. આમ, હવે રિપોર્ટને આધારે રાજ્ય સરકારને નિર્ણય લઇ શકશે. તો સાથેસાથે કેન્દ્ર સરકાર પણ રિપોર્ટના આધારે રાજ્યની રથયાત્રાનો નિર્ણય લઇ શકે છે.