અમદાવાદમાં રથયાત્રાને લઈને ચાલતી અટકળોનો અંત, પરંપરાગત રૂટ પર નીકળશે રથયાત્રા
આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો સાથે રથયાત્રા નીકળવાની છે

આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટતા કરી છે કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. ભગવાનની યાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળવાની વાતમાં તથ્ય નથી. દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો સાથે રથયાત્રા નીકળવાની છે. રાજ્ય સરકાર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી હતી,જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતુ કે દર વર્ષની જેમ પરંપરાગત રૂટ ભવ્ય રીતે રથયાત્રા નીકળશે. રથયાત્રા કોઈ મનોરંજનની યાત્રા નથી. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની યાત્રા સાદગીપૂર્ણ રીતે થવાની વાત હતી જે કોઈ વાતમાં તથ્ય નથી. રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત અને રથયાત્રાના આયોજન અંગે બેઠક કરી છે. મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે મુજબ તૈયારીઓ કરવામાં આવી છે.
બીજી તરફ અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ તડામાર તૈયારી શરૂ થઇ ગઇ છે. મેયર સહિત પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ નિરીક્ષણમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા પહેલા ડિવાઈડરનું સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી. જર્જરિત મકાનો ઉતારી લેવા એસ્ટેટ વિભાગને આદેશ અપાયો હતો. કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણના કારણે રથયાત્રાને અસર ન થાય તે અંગે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે 22, મેના રોજ ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન કરી શકાશે. વધુ હરિભક્તો મામેરાના દર્શન કરી શકે તે માટે સમયમાં ફેરફાર કરાયો છે. 22, મે સવારે 11 થી સાંજના આઠ વાગ્યા સુધી મામેરાના દર્શનનો હરિભક્તો લાભ લઇ શકશે. દર વર્ષે મામેરા દર્શન બપોરના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવતો હતો. ભગવાન જગન્નાથજીના મોસાળમાં રંગે ચંગે ભાણેજનું મામેરુ કરવામાં આવશે.



















