આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા
Shravan: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે. શિવજીની આરાધના અને ઉપાસનાનો આ પવિત્ર માસ છે. અમદાવાદના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે.
Shravan: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે. શિવજીની આરાધના અને ઉપાસનાનો આ પવિત્ર માસ છે. અમદાવાદના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ભગવાન શિવજીની અલગ અલગ રીતે ભક્તો રીઝવી રહ્યા છે. જળાભિષેક, દુધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભક્તો ભોળાનાથની આરાધના કરી રહ્યા છે. સિદ્ધિ યોગ સાથે શ્રાવણ માસનો શુભારંભ થયો છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી
આજે શુક્રવારથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ત્યારે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 12 જ્યોતિર્લિંગમાના એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દ્વારકાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગનાં મંદિરમાં દર શ્રાવણ માસમાં ભક્તોનો જમાવડો રહેતો હોય છે. આ વર્ષથી સવારે થતી આરતીનો સમય બદલાયો છે. સવારની 6.00 વાગ્યાની મંગળા આરતી તથા સાંજે 8.00 કલાકે આરતી કરવામાં આવશે.
આજથી સ્થાનિક 42 ગામોના શિવ ભક્તો તથા દ્વારકા આવતા પ્રવાસીઓનો નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આખો દિવસ ભક્તોનો જમાવડો રહેશે અને ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી અને મંદિરના ગ્રભગૃહમાં ભગવાન શિવને દુધાભિષેક, જળાભિષેક સહિત અનેક પૂજન અર્ચન કરી અને વિશ્વશાંતી મળે તેવી પ્રાર્થના સાથે ભગવાન સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભગવાન નાગેશ્વરને રીઝવશે.
સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે નવી પ્રવેશ વ્યવસ્થા સફળ જોવા મળી. ઝોગઝેક પ્રકારની 6 લાઈનો વડે સ્ત્રી પુરુષોનો અલગ અલગ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મંદિર પરિસર બહાર બેઠક વ્યવસ્થા કરી લોકોને ભક્તિ કરવા માટે સુવિધા ઊભી કરાઇ છે. હર હર ભોલેના નાદ સાથે સોમનાથમાં 30 દિવસીય શિવોત્સવ ચાલશે.
સુરેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચના
રાજકોટ જિલ્લાના ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. 328 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું. ગોંડલના વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. વહેલી સવારથી મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે.