Air india plane crash: પિતાના અંતિમ સંસ્કારમાં અમદાવાદ આવ્યો હતો યુવક, પ્લેન ક્રેશમાં મોત
આજે ગુરુવારે (12 જૂન, 2025) બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાવહ ક્રેશમાં મૃત્યુઆંક વધીને 265 પર પહોંચ્યો છે.

અમદાવાદ: આજે ગુરુવારે (12 જૂન, 2025) બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાવહ ક્રેશમાં મૃત્યુઆંક વધીને 265 પર પહોંચ્યો છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું મોત થયું છે. તેઓ પોતાના પિતા ડેનિયલ ક્રિશ્ચિયના 29 મે 2025 ના રોજ અવસાન થયું હોવાના કારણે તેમના અંતિમ સંસ્કાર માટે લંડનથી અમદાવાદના મણિનગરમાં આવ્યા હતા.
અંતિમ ફોટો અને વીડિયો વાયરલ
આજે તેઓ પરત લંડન પાછા જઈ રહ્યા હતા ત્યારે તેઓ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનો સીટ નંબર 37 હતો. તેમનો અંતિમ ફોટો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
નવી નવેલી દુલ્હનની જીંદગી સમાપ્ત, પિતા સાથેની અંતિમ તસવીર વાયરલ
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI-171 માં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના અરબા ગામની રહેવાસી 21 વર્ષીય નવપરિણીત ખુશ્બુનું પણ મોત નીપજ્યું હતું.
ફ્લાઇટ ટેકઓફ થયાની થોડી મિનિટો પછી ક્રેશ થઈ
ખુશ્બુ તેના પિતા મદન સિંહ અને પિતરાઇ ભાઇ સાથે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાંથી તે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દ્વારા લંડન જવા રવાના થવાની હતી. પરંતુ ફ્લાઇટ ટેકઓફ થયાની થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ અને ખુશ્બુનું જીવન પણ તે જ ક્ષણે સમાપ્ત થઈ ગયું.
અકસ્માતના સમાચાર સાંભળી પિતા ભાંગી પડ્યા
ખુશ્બુના પિતાએ એરપોર્ટ પર પોતાની પુત્રીને વિદાય આપતી વખતે એક ભાવનાત્મક ફોટો પાડ્યો હતો અને વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું 'આર્શીવાદ ખુશ્બુ બેટા, ગોઈંડ ટુ લંડન'. પુત્રીના ગયા પછી, પિતા અને પિતરાઇ ભાઇ ગામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતના સમાચાર સાંભળી તેઓ ભાંગી પડ્યા હતા.
ખુશ્બુના લગ્ન આ વર્ષે 18 જાન્યુઆરીએ જોધપુર જિલ્લાના લુની ખારાબેરા ગામના રહેવાસી ડૉ. વિપુલ સાથે થયા હતા, જે લંડનમાં પ્રેક્ટિસ કરે છે. લગ્ન પછી વિપુલ લંડન પાછો ફર્યો અને ખુશ્બુ થોડા મહિનાઓ માટે તેના માતાપિતા અને સાસરિયાના ઘરે રહી. હવે તે લંડનમાં તેના પતિને મળવા માટે પહેલી વાર વિદેશ પ્રવાસ કરી રહી હતી.





















