અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
શહેરના શીલજ સર્કલ પાસે ટ્રેલરે અડફેટે લેતા એક્ટિવા ચાલક યુવકનું મોત થયું હતું

અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એકનો ભોગ લીધો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના શીલજ સર્કલ પાસે ટ્રેલરે અડફેટે લેતા એક્ટિવા ચાલક યુવકનું મોત થયું હતું. 18 વર્ષીય તનય પટેલ સાયન્સ સિટીથી ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ટ્રેલર ચાલકે ટક્કર મારી અને ત્યાંથી તે ફરાર થયો હતો. બનાવમાં યુવકને ગંભીર ઇજા થતા મોત થયું હતું. જેથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ઘટનાની જાણ થતા પોલીસને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સવારે સાત વાગ્યેને 20 મિનિટે આ ઘટના બની હોવાની માહિતી છે.
કચ્છમાં ક્રેન ચાલકે લીધો વૃદ્ધનો જીવ
કચ્છના મુંદ્રામાં ક્રેન ચાલકે વૃદ્ધનો જીવ લીધો હતો. રોડ સાઈડ પર મંદિરમાં દર્શન કરતા વૃદ્ધને કચડી ક્રેન ચાલક ફરાર થયો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રસ્તા પાસે આવેલ મંદિરમાં વૃદ્ધ પૂજા કરી રહ્યા છે. ત્યારે ક્રેન આવે છે અને વૃદ્ધને અડફેટે લે છે. જેમાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત થાય છે. જેથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું કે, 'રિંગ રોડ પર ભારે વાહનો હજુ પણ જોવા મળી રહ્યા છે
અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો સામેની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પર અસંતોષ વ્યકત કરી તેને હજુ વધુ કડક અને અસરકારક પગલા લેવા સરકારને નિર્દેશ આપ્યો હતો.
હાઈકોર્ટે શહેરમાં લકઝરી બસો, મોટી ટ્રકો સહિતના ભારે વાહનોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર આડેધડ અને ગેરકાયદે પાર્કિંગના મુદ્દે સરકાર અને સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. કોર્ટે સીધો સવાલ કર્યો હતો કે, 'શહેરમાં ભારે વાહનો મંજૂરી વિના પ્રતિબંધિત છે તો કેવી રીતે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પીક અવર્સમાં ભારે વાહનોના લીધે ટ્રાફિક ચક્કાજામ થઈ રહ્યો છે.' સરકાર તરફથી રોંગ સાઈડ વાહનો વિરૂદ્ધ કાર્યવાહીના આંકડા રજૂ કરાયા હતા, જે મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં રોંગ સાઇડ આવતાં 27 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.'





















