ઉમરેઠમાં માત્ર 2 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ, કરજણ નદીના પ્રવાહમાં 2 બાળકો તણાયા
Gujarat Rain: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માત્ર બે કલાકમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ પડતાં શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ખોરવાયું હતું.

Gujarat Rain: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માત્ર બે કલાકમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ પડતાં શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ખોરવાયું હતું. ગઈકાલે પણ ઉમરેઠમાં ભારે વરસાદ થયો હતો, જ્યારે આજે પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે.
ઉમરેઠના મુખ્ય વિસ્તારો જેવા કે ડાકોર-નડિયાદ રોડ, લાલ દરવાજા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. બોરસદમાં પણ છેલ્લા બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં પણ સારો વરસાદ પડ્યો છે.
ડેડીયાપાડામાં બે બાળકો નદીના પ્રવાહમાં તણાયા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે કરજણ નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના પ્રવાહમાં શિયાલી ગામના બે બાળકો તણાઈ જવાની ગમખ્વાર ઘટના બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે બપોરે 12 થી 1 વાગ્યાની આસપાસ શાળા છૂટ્યા બાદ બંને બાળકો, 13 વર્ષનો સોમકુમાર બિપિનભાઈ વસાવા અને 12 વર્ષનો અક્ષયકુમાર દિનેશભાઈ વસાવા, ખેતરે જતા હતા ત્યારે નદીનો પ્રવાહ અચાનક વધી જતા તેઓ તણાઈ ગયા હતા.
બાળકો તણાઈ જવાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા તેમને શોધવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સાંજ પડતા અંધારાને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી હતી. આ ઘટનાની જાણ ગ્રામ પંચાયત દ્વારા ડેડીયાપાડા તંત્રને પત્ર લખીને કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
તંત્રએ સરપંચને જવાબ આપ્યો છે કે બાળકોની શોધખોળ માટે NDRFની ટીમ આવતીકાલે આવશે. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી કરજણ નદીનો પ્રવાહ તેજ છે, જેના કારણે બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે.
જિલ્લાવાર અસર
સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં 40 રસ્તા બંધ થયા છે, જ્યારે સુરત જિલ્લામાં 32 રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત, પોરબંદરમાં 28 અને નવસારી જિલ્લામાં 27 રસ્તાઓ પર અવરજવર બંધ છે. પંચાયત હસ્તકના 174 રસ્તાઓ અને રાજ્ય સરકાર હસ્તકના અન્ય ચાર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અટકી ગયો છે.
વાહનચાલકોને મુશ્કેલી
રાજ્યના મુખ્ય માર્ગો બંધ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે લોકો કામ અર્થે કે અન્ય હેતુસર મુસાફરી કરી રહ્યા છે, તેમને લાંબા રૂટ લેવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી વાહનચાલકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ ચાલુ હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે.





















