Bhavnagar Rain: ધોધમાર વરસાદના કારણે ભાવનગરમાં 300થી વધુ ઘરમાં ધૂસ્યા વરસાદના પાણી
ભાવનગર શહેરના કાળિયા બીડ ભક્તિનગર વિસ્તારમાં 300થી વધુ ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિત અનેક કારો પણ પાણીમાં ગરકાવ જોવા મળી હતી.

ભાવનગર: ભાવનગર શહેરના કાળિયા બીડ ભક્તિનગર વિસ્તારમાં 300થી વધુ ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિત અનેક કારો પણ પાણીમાં ગરકાવ જોવા મળી હતી. આ વિસ્તારમાં છેલ્લા સાત કલાકથી પાણીનો નિકાલ થઈ શકતો નથી જેથી સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. જો વહેલી તકે મનપા દ્વારા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો વરસાદના પાણી ભારે તારાજી સર્જી શકે છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 12 વાગ્યા સુધીમાં ભાવનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 12 વાગ્યા સુધીમાં ભાવનગરના સિહોર, ઉમરાળામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ભાવનગરના અનેક વિસ્તારો જળબંબાકાર છે. કુંભારવાડા, અક્ષય પાર્ક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મનપાની પેટા કચેરીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. લીલા સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.
ધોધમાર વરસાદથી ભાવનગર જિલ્લાના ઉમરાળાના ચોગટ ગામ સહિતના વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. અનેક ખેતરોમાં વાવેતર કરેલો પાક ધોવાયો છે તો અનેક ખેતરોમાં જમીન ધોવાઈ ગઈ છે.
રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મહત્વની આગાહી કરી છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. જોકે પાંચ દિવસ સુધી છુટછવાયો વરસાદ રહેશે. પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જો કે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આજે રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં આજે અને આવતી કાલે એટલે 24 જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે. 24 જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ રહેશે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદનું અનુમાન છે. વરસાદની શક્યતાને જોતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે માટે વરસાદની શક્યતાને જોતા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપ્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી,નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
