Bhavnagar: મહુવાનો સૌથી મોટો માલણ ડેમ સિઝનમાં ચોથી વાર ઓવરફ્લો
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે.

ભાવનગર: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ભાવનગરના મહુવા તાલુકાનો સૌથી મોટો માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગરના મહુવાનો સૌથી મોટો ડેમ માલણ ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે. કમોસમી વરસાદના કારણે માલણ ડેમના 46 દરવાજા ઉપર પાણી પસાર થઈ રહ્યું છે.
10 ગામડાઓને સાવચેતીના ભાગરુપે એલર્ટ કરાયા
ભાવનગર જિલ્લામાં વરસેલા વરસાદ અને ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે માલણ ડેમમાં 298 ક્યૂસેક પાણીની આવક સામે જાવક પણ શરૂ છે. હાલમાં 46 દરવાજા પરથી બે ઈંચની સપાટી પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. માલણ ડેમ ઓવરફ્લો થતાં મહુવા તાલુકાના 10 ગામડાઓને સાવચેતીના ભાગરુપે એલર્ટ કરવામાં આવ્યા છે.
માલણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મોટાખુટવડા, ગોરસ, સાંગણીયા, લખુપરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણીયાવદર, મહુવા અને કતપર ગામોને એલર્ટ કરાયા છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છે. ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા છે. અનેક ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે.
આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે તાપી, નવસારી,ડાંગ,વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 50થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.
રાજ્યના 116 તાલુકામાં વરસાદ
આજે પણ વહેલી સવારથી રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. ભાવનગરના મહુવામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના હાંસોટમાં 2.13 ઈંચ વરસાદ, તળાજાના 2.13 ઈંચ, પાલિતાણામાં 1.26 ઈંચ, ડાંગના સુબીરમાં બે કલાકમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં બે કલાકમાં 1.61 ઈંચ વરસાદ, વડોદરાના ડેસરમાં 1.1 ઈંચ વરસાદ, સુરતના ઓલપાડમાં 1.1 ઈંચ વરસાદ વરસ્યો છે.





















