(Source: ECI/ABP News/ABP Majha)
ભાવનગરમાં ભાજપ કાર્યકરે બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવાર પાસેથી 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો કથિત વિડીયો વાયરલ, જુઓ વિડીયો
Bhavnagar News : કથિત વિડીયોઆ સંભળાઈ રહ્યું છે કે વૈભવ જોશીએ અધિકારીઓને ફોડવા દોઢ અને બે લાખ રૂપિયા જેવી મોટી રકમ આપી હતી.
Bhavnagar : ભાવનગર ભાજપના કાર્યકર વૈભવ જોશીનો કથિત વિડીયો વાયરલ થયો છે. બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવાર પાસેથી 50 હજાર રૂપિયા લીધાનો કથિત વિડીયો વાયરલ થયો છે. ઉમેદવાર પાસેથી કુલ 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો પણ કથિત વિડીયો વાયરલ થયો છે.
અધિકારીને બે અને દોઢ લાખ રૂપિયા આપ્યાં
શિક્ષણ વિભાગના અધિકારીને ફોડાવા માટે બે લાખ રૂપિયા આપ્યા તેવો વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ મહાનગપાલિકાના અધકારીને પણ દોઢ લાખ રૂપિયા આપ્યાનો વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે. પેપર સોલ્વ કરવા પરીક્ષા સેન્ટરની બાજુમાં સાત શિક્ષકો પેપર સોલ્વ કરવાના હતા. એક સવાલ દીઠ 5 હજાર રૂપિયા શિક્ષકો સાથે નક્કી કરાયા હતા તેવો વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયોથી બિનસચિવાલયની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. એબીપી અસ્મિતા આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, જુઓ આ વિડીયો -
વૈભવ જોશીએ કહ્યું, વિડીયો ખોટો
આ અંગે જેમનો વિડીયો વાયરલ થયો છે એ વૈભવ જોશીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે આ વિડીયો ખોટો છે, મેં કોઈની પણ પાસેથી પૈસા નથી લીધા. આ સાથે જ તેમણે કહ્યું કે નિકુંજ મહેશભાઈ રાઠોડ અને તેના પિતા મહેશભાઈ રાઠોડ સામે 52 લાખનો ચેક રિટર્ન થવાના મામલે ફરિયાદ લખાવી હતી. એ ફરિયાદ પાછી લેવા માટે મને ધમકી આપી હતી, અને કહ્યું હતું કે કેસ પછી નહીં લ્યો તો તમારો વિડીયો વાયરલ કરીશું.
આ કથિત વિડીયો પાછળનું સત્ય શું ?
વૈભવ જોશી એક બાજુ સ્વીકારે છે કે આ વિડીયો પાંચ વર્ષ જૂનો છે અને બીજી બાજુ એ પણ કહે છે આ વિડીયો ખોટો અને એડિટેડ છે. કથિત વિડીયોમાં વૈભવ જોશી પોતે બોલી રહ્યાં હોય એ સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. તેઓ પોતે બોલી રહ્યા છે કે કોને કેટલા રૂપિયા આપ્યા અને બાદમાં પરીક્ષા રદ્દ થતા પોતે ભરાઈ ગયા હતા અને રૂપિયા પાછા આપવાનો પ્રશ્ન ઉભો થયો હતો.
વૌભવ જોશી હાલ બુથ મેનેજમેન્ટ સેલના જિલ્લા સંયોજક છે અને ભાવનગર જિલ્લા યુવા ભાજપના પૂર્વ મંત્રી પણ છે. હવે જોવું એ રહ્યું કે આ વિડીયો પાછળનું સત્ય બહાર આવશે અને વૈભવ જોશી પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મામલાને ઢાંકી દેવામાં આવશે?