ભાવનગરમાં ડુંગળીએ જગતના તાત ખેડૂતોને રડાવ્યા, આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો
ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 45,000 થેલી લાલ ડુંગળીનું હરાજી દરમિયાન વેચાણ થયું છે.
ભાવનગર: ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 45,000 થેલી લાલ ડુંગળીનું હરાજી દરમિયાન વેચાણ થયું છે. જેમાં ખેડૂતને 20 કિલોના 125 રૂપિયા એટલે ખેડૂતને પ્રતિ એક કિલોના છ રૂપિયા ભાવ મળ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે. જેમાં અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે.
આ સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 25,611 લાલ ડુંગળીનું વેચાણ થયું છે જેમાં ખેડૂતને પ્રતિ કિલોના સાડા સાત રૂપિયા મળ્યા છે. લાલ ડુંગળીની આવક ભાવનગર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ છે તેવા સમયે જિલ્લાના ખેડૂતોને લાલ ડુંગળીના ભાવ મજાક સમાન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ભાવનગરમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ હોવાના પગલે ડુંગળીના ભાવ ઘટી રહ્યાં છે. બીજી તરફ સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર 20 ટકા ડ્યુટી લગાવી છે. જેથી નાના ખેડૂતો એક્સપોર્ટ કરી શકતા નથી. ત્યારે તેમની માગ છે કે એક્સપોર્ટ ડ્યુટી હટાવવામાં આવે અને સરકાર મદદ કરે.
ડુંગળીનો ભાવ પ્રતિમણ 700થી 800 ઘટીને માત્ર 150થી લઈ 350 સુધી બોલાઈ રહ્યો છે. જેથી પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડુંગળીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યો. ગત સપ્તાહમાં ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા 300થી લઈ 700 સુધીના મળતા હતા. હવે યાર્ડમાં ડુંગળીના ભાવોમાં રૂપિયા 200 રુપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષમાં વધુ વરસાદ પડવાના કારણે ડુંગળીનું ઉત્પાદન જોઈએ તેવું નથી થયું. હાલ તો ભાવનગર જિલ્લામાં ખેડૂતોની સ્થતિ કફોડી બની ગઈ છે.
શરુઆતમાં ખેડૂતોને 700 રૂપિયા સુધી ભાવ મળતા હતા. પરંતુ તેની સામે આવક ઓછી હતી. હાલ મહુવા, તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી ગઈ છે પરંતુ તેની સામે ડુંગળીના ભાવમાં એકા એક કડાકો બોલી ગયો છે.
Cold Wave: આગામી 26 થી 28 ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠું થશે, આ 10થી વધુ જિલ્લામાં પડશે વરસાદ