Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update:પંજાબના ગુરુગ્રામ અને ભટિંડામાં લઘુત્તમ તાપમાન ૦.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૦.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Weather Update:ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. શહેરો અને ખુલ્લા મેદાનોમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે, ઘણા રાજ્યોમાં તાપમાન શૂન્યથી નીચે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં ઠંડી અને ધુમ્મસથી રાહત મળવાની આશા ઓછી છે.
હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં સૌથી ઠંડી રાત
હરિયાણાના ગુરુગ્રામ અને પંજાબના ભટિંડામાં લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. લુંકરનસર (બિકાનેર)માં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ અને ચુરુમાં લઘુત્તમ તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
એનસીઆરમાં હિમ
ફરિદાબાદ અને રેવાડી સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં હિમ પડ્યું. ગુરુગ્રામમાં, ઘરોની બહાર પાર્ક કરેલા વાહનોના કાચ પર બરફનું પાતળી પડ જોવા મળી અને સૂકું ઘાસ બરડ થઈ ગયું. ગ્રામીણ વિસ્તારોમાં, ખેતરની સીમાઓ અને વાહનો પર બરફની પાતળી પરત જોવા મળી છે. .
દિલ્હીમાં 2023 પછીનો સૌથી ઠંડો જાન્યુઆરી દિવસ નોંધાયો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 4.2 ડિગ્રી ઓછું છે. આ 2023 પછીનો સૌથી ઠંડો જાન્યુઆરી દિવસ હતો. મહત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
રાજસ્થાનમાં જનજીવન પ્રભાવિત
રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. પશ્ચિમ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઓછી થઈ ગઈ, જેના કારણે સવારે ટ્રાફિક ખોરવાઈ ગયો. ઘણા શહેરો અને નગરોમાં લોકો ઠંડીથી બચાવવા માટે અગ્નિ પ્રગટાવતા જોવા મળ્યા.
પાક પર ઠંડીની અસર
હરિયાણાના ખેડૂત દેવી રામે સવારે પોતાના ખેતરોમાં હિમની સફેદ ચાદર છવાયેલી જોવા મળી હોવાનું જણાવ્યું. આ ઘઉંના પાક માટે ફાયદાકારક છે, પરંતુ બટાકા, વટાણા, મૂળા અને સરસવ જેવા શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે.
પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેર
પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઘણા દિવસોથી તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે. ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે.
કાશ્મીરમાં થોડી રાહત, પરંતુ શૂન્યથી નીચે તાપમાન
કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાન થોડું વધ્યું, પરંતુ તે હજુ પણ શૂન્યથી નીચે છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે પુલવામામાં માઈનસ 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડલ લેઇક અને અન્ય જળાશયોના કેટલાક ભાગો થીજી ગયા હતા.
હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી
16 જાન્યુઆરીથી હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે ચંબા જિલ્લામાં કોલ્ડ વેવ અને રાજ્યના સાત જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવનું એલર્ટ
ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડીની સ્થિતિ યથાવત છે . લખનૌમાં તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ અને ભેજ 72 ટકા નોંધાયો. પ્રયાગરાજ, બહરાઇચ, બરેલી, મેરઠ અને ગોરખપુર સહિત અનેક જિલ્લાઓમાં દિવસનું તાપમાન 13 થી 19 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. હજું પણ યુપીમાં આગામી દિવસો માટે એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. બાળકો અને વૃદ્ધોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.





















