US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US India Trade Deal: રશિયન તેલ ખરીદવા બદલ અમેરિકાએ લાદેલા દંડ અને ટ્રેડ વોર વચ્ચે બંને નેતાઓ સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે સાથે કામ કરવા સંમત; ભારતને આવતા મહિને મળી શકે છે 'પેક્સસિલિકા' નું સભ્યપદ.

S Jaishankar Marco Rubio Phone Call: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા 'ટ્રેડ વોર' અને ટેરિફના તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) વચ્ચે મંગળવારે (13 January, 2026) ફોન પર ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ હતી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના વહીવટીતંત્રે ભારત પર અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ લાદેલો છે. બંને નેતાઓ વચ્ચે પરમાણુ સહયોગ, સંરક્ષણ, ઉર્જા અને દ્વિપક્ષીય વેપાર જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ભારત પર 50% ટેરિફનો બોજ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકાર અને ભારત વચ્ચેના સંબંધો હાલ વેપારને લઈને થોડા તંગ છે. ગત વર્ષે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પે ભારતીય સામાન પર એકપક્ષીય રીતે 25% ટેરિફ લાદી દીધો હતો. ત્યારબાદ, ઓગસ્ટ 2025 માં રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વધારાનો 25% 'પેનલ્ટી ટેરિફ' ઝીંકવામાં આવ્યો હતો. આમ, હાલ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ છે, જે એશિયામાં સૌથી વધુ છે. આ મુદ્દો બંને દેશો વચ્ચેની વાતચીતમાં કેન્દ્રસ્થાને રહ્યો હતો.
જયશંકરની 'X' પોસ્ટ અને સકારાત્મક સંકેત
વાતચીત બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા લખ્યું હતું કે, તેમણે માર્કો રુબિયો સાથે સકારાત્મક ચર્ચા કરી છે અને ભવિષ્યમાં પણ તેઓ સંપર્કમાં રહેશે. આ વાતચીતનો મુખ્ય હેતુ અટકી પડેલી વેપાર મંત્રણાને ફરી પાટા પર લાવવાનો હતો.
ભારત 'PaxSilica' માં જોડાશે?
ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) ઈન્સ્ટાગ્રામ પર આ વાતચીતને સમર્થન આપતા એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "આવતા મહિને ભારતને પૂર્ણ સભ્ય તરીકે 'પેક્સસિલિકા' (PaxSilica) માં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે." આ ઉપરાંત, આવતા મહિને યોજાનારી બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) અને વેપાર કરાર પર મોટી જાહેરાત થવાની શક્યતા છે.
આગળનો રોડમેપ શું છે?
રાજદૂત સર્જિયો ગોરે 12 January ના રોજ સ્વીકાર્યું હતું કે ભારત સાથે વેપાર સોદો કરવો સરળ નથી કારણ કે ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે. જોકે, તેમણે આતંકવાદ વિરોધી અભિયાન, સુરક્ષા, ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે ભારત સાથે મળીને કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. હવે સૌની નજર આવતા મહિને યોજાનારી બેઠક પર છે, શું ટ્રમ્પ ભારતને ટેરિફમાં કોઈ રાહત આપશે કે કેમ?




















