LICને એક જ દિવસમાં 1400 કરોડ રૂપિયાનું નુકસાન, અદાણી ગ્રુપના શેરમાં ઘટાડાની અસર
અદાણી ગ્રૂપ પર OCCRP રિપોર્ટ પછી, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ફરી એકવાર હેડલાઈન્સમાં છે, કારણ કે આ વીમા કંપનીએ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કર્યું છે.
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (OCCRP)ના રિપોર્ટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. OCCRPએ તેના અહેવાલમાં અબજોપતિ ગૌતમ અદાણી અને તેના પોર્ટ-ટુ-એનર્જી ગ્રૂપ સામે સ્ટોક મેનીપ્યુલેશનના આક્ષેપો કર્યા છે. ગુરુવારે આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો શરૂ થયો અને થોડી જ વારમાં ગ્રૂપને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું. પરંતુ OCCRP રિપોર્ટ પછી, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર હેડલાઇન્સમાં છે. કારણ કે આ વીમા કંપનીએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કર્યું છે અને તેમના મેકેપમાં ઘટાડા પછી LICને પણ નુકસાન થયું છે.
NSE પર અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3.51 ટકા ઘટીને બંધ થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 2.24 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરનો ભાવ 3.53 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 3.76 ટકા ઘટીને બંધ થયો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિકના શેર 3.18 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. 31 ઓગસ્ટે ACCના શેર 0.73 ટકા, અંબુજા સિમેન્ટ્સ 3.66 ટકા, NDTV 1.92 ટકા, અદાણી પાવર 1.93 ટકા અને અદાણી વિલ્મર 2.70 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
અદાણી ગ્રુપને ગુરુવારે 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ તમામ 10 શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 10.84 લાખ કરોડ હતી. પરંતુ 31 ઓગસ્ટે તે ઘટીને લગભગ 10.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. એટલે કે અદાણી ગ્રુપને એક જ દિવસમાં અંદાજે રૂ. 35,000 કરોડનું નુકસાન થયું છે.
રૂ. 35,000 કરોડમાંથી, જીવન વીમા નિગમ (LIC) ને માત્ર એક સત્રમાં રૂ. 1,439.8 કરોડનું નુકસાન થયું છે. LIC એ અદાણી ગ્રૂપની છ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. ડેટા અનુસાર, 30 જૂનના રોજ, LIC પાસે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિકમાં 9.12 ટકા હિસ્સો, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4.26 ટકા, અદાણી ટોટલ ગેસ, ACC અને અંબુજા સિમેન્ટ્સમાં 6 ટકાથી વધુ હિસ્સો હતો.
આઠ મહિનામાં આ બીજી વખત છે જ્યારે અદાણી ગ્રુપ પર સ્ટોકની હેરાફેરીનો આરોપ લાગ્યો છે. OCCRP પહેલા, આ વર્ષના જાન્યુઆરી મહિનામાં અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર શેરના ભાવમાં હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ મૂક્યો હતો. જોકે, અદાણી જૂથે તેને ફગાવી દીધો હતો. જૂથે OCCRP રિપોર્ટને પણ નકારી કાઢ્યો છે. OCCRPએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે અદાણી જૂથે ગુપ્ત રીતે તેના પોતાના શેર ખરીદીને શેરમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે.